- વર્લ્ડ કપમાં રોહિતના ફિફ્ટી પ્લસના સ્કોરનો રેકોર્ડ પણ બ્રેક કર્યો
- સચિને સાત વખત વન-ડે ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી હતી
- સર્વાધિક ફિફ્ટી પ્લસ સ્કોરના મામલે કોહલીએ રોહિત શર્માને પાછળ છોડયો
શ્રીલંકા સામેની વર્લ્ડ કપ મેચમાં વિરાટ કોહલીએ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના એક કેલેન્ડર વર્ષમાં સર્વાધિક વખત એક હજાર કરતાં વધારે રન બનાવવાનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. સચિને સાત વખત વન-ડે ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ શ્રીલંકા સામે 50 પ્લસનો સ્કોર નોંધાવતી વખતે આઠમી વખત સિદ્ધિ મેળવી હતી. સચિન તેંડુલકરે 1994, 1996-98, 2000, 2003 તથા 2007માં એક કેલેન્ડર વર્ષમાં એક હજાર કરતાં વધારે રન બનાવ્યા હતા. કોહલીએ 2011થી 2014, 2017થી 2019 તથા 2023માં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. વર્લ્ડ કપમાં સર્વાધિક ફિફ્ટી પ્લસ સ્કોરના મામલે કોહલીએ રોહિત શર્માને પાછળ રાખી દીધો હતો. વર્લ્ડ કપમાં સર્વાધિક વખત 50 પ્લસનો સ્કોર સચિનના નામે છે જેણે હાઇએસ્ટ 21 વખત આ સિદ્ધિ મેળવી હતી. કોહલી બીજા ક્રમે પહોંચી ગયો છે જેણે 13 વખત આ માઇલસ્ટોન પાર કર્યો છે. રોહિતે 12, શ્રીલંકાના કુમાર સંગાકારાએ 12, શાકિબ અલ હસને 12 તથા રિકી પોન્ટિંગે 11 વખત વર્લ્ડ કપમાં 50 પ્લસનો સ્કોર નોંધાવ્યો હતો.
શુભમન ગિલે બાબર અને નિશાન્કાનો રેકોર્ડ તોડયો
ભારતના યુવા ઓપનર શુભમન ગિલે શ્રીલંકા સામેની મેચમાં 92 રનની ઇનિંગ રમવાની સાથે પાકિસ્તાનના બાબર આઝમ અને શ્રીલંકાના ઓપનર પાથુમ નિશાન્કાનો રેકોર્ડ તોડયો હતો. ગિલે 2023માં સર્વાધિક 12મી વખત અડધી સદી નોંધાવી હતી. બાબર અને નિશાન્કા ચાલુ વર્ષે 11-11 વખત 50 પ્લસનો સ્કોર નોંધાવી ચૂક્યા છે.