અમદાવાદમાં દિવાળીના તહેવારોની ખરીદીની ભારે ભીડ વચ્ચે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા અત્યંત વિકટ બની છે. શહેરમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવ્યા વગર જ તંત્ર દ્વારા વાહનોનું આડેધડ ટોઇંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વાહન જપ્ત થવાના ડરથી ગ્રાહકો બજારોમાં ખરીદી કરવા આવતા ખચકાઈ રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દિવાળી પર્વ નિમિત્તે શહેરના મણિનગર, કાલુપુર તેમજ રિલીફ રોડ સહિતના તમામ મુખ્ય વેપારી વિસ્તારોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે પરંતુ આ વિસ્તારોમાં પાર્કિંગની કોઈ નક્કર સુવિધા ન હોવાથી સ્થિતિ વણસી ગઈ છે.
વાહનોનું તંત્ર દ્વારા આડેધડ ટોઇંગ કરી લેવામાં આવે છે
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા મલ્ટિલેવલ પાર્કિંગ માત્ર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે.મલ્ટિલેવલ પાર્કિંગથી મુખ્ય બજાર સુધી પહોંચવા માટે કોઈ યોગ્ય સુવિધાનો સદંતર અભાવ જોવા મળે છે.આ અગવડતાના કારણે ગ્રાહકો પોતાના વાહનો મલ્ટિલેવલ પાર્કિંગમાં મૂકવામાં મુશ્કેલી અનુભવે છે અને રસ્તા પર મુકાયેલા વાહનોનું તંત્ર દ્વારા આડેધડ ટોઇંગ કરી લેવામાં આવે છે.વાહનો ઊઠાવી જવાની આ કાર્યવાહીના લીધે ખરીદી કરવા આવતા સામાન્ય ગ્રાહકોમાં ભારે ડર વ્યાપી ગયો છે. ગ્રાહકો ટોઇંગના ભયથી બજારમાં આવતા સતત ખચકાઈ રહ્યા છે, જેની સીધી અને પ્રતિકૂળ અસર સ્થાનિક વેપાર પર પડી રહી છે.


