- ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે નેધરલેન્ડ્સ સામે 104 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો
- શ્રીલંકાના બોલર દિલશાન મદુશંકાએ એક યુનિક રેકોર્ડ નોંધાવ્યો હતો
- વાનખેડે સ્ટેડિયમ રોહિત શર્મા માટે વધુ એક વખત અનલકી
શ્રીલંકા સામે ઐયરે 36 બોલમાં અડધી સદી પૂરી કરી હતી અને તેણે રાજિથા દ્વારા નાખવામાં આવેલી 36મી ઓવરના ચોથા બોલે 106 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો જે વર્તમાન વર્લ્ડ કપમાં લોંગેસ્ટ સિક્સર તરીકે નોંધાઇ છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે નેધરલેન્ડ્સ સામે 104 મીટરનો છગ્ગો ફટકાર્યો હતો. આ યાદીમાં શ્રોયસ ફરીથી ત્રીજા ક્રમે છે જેણે અફઘાનિસ્તાન સામે 101 મીટર દૂર સિક્સર ફટકારી હતી.
મદુશંકાએ બીજી વખત પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપી
ભારત સામેની મેચમાં શ્રીલંકાના બોલર દિલશાન મદુશંકાએ એક યુનિક રેકોર્ડ નોંધાવ્યો હતો. વર્લ્ડ કપની કોઇ એક ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં જ બે વખત વિકેટ ઝડપનાર તે પ્રથમ બોલર બન્યો છે. મદુશંકાએ ભારત સામેની મેચમાં રોહિતને પ્રથમ ઓવરમાં આઉટ કર્યા પહેલાં અફઘાનિસ્તાનના ગુરબાઝને પણ પહેલી ઓવરમાં જ પેવેલિયન પરત મોકલ્યો હતો. વર્તમાન વર્લ્ડ કપમાં મિચેલ સ્ટાર્ક
(ઇશાન કિશન, ભારત), ટ્રેન્ટ બાઉલ્ટ (લિટન દાસ, બાંગ્લાદેશ), રિસ ટોપ્લે (ક્વિન્ટન ડી કોક, સાઉથ આફ્રિકા) પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપી ચૂક્યા છે.
વાનખેડે ફરીથી રોહિત માટે અનલકી
મુંબઇનું વાનખેડે સ્ટેડિયમ ભારતીય સુકાની રોહિત શર્મા માટે વધુ એક વખત અનલકી રહ્યું છે. રોહિત શ્રીલંકા સામે ચાર રન બનાવીને આઉટ થયો હતો. જોકે રોહિત વર્તમાન વર્લ્ડ કપમાં 400નો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય બન્યો હતો. રોહિત વાનખેડેમાં અત્યાર સુધી વન-ડેમાં 20 કરતાં વધારેનો સ્કોર નોંધાવી શક્યો નથી. રોહિત આ મેદાનમાં પોતાની પ્રથમ વન-ડે 2015માં સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો અને તેણે 16 રન બનાવ્યા હતા. તેણે 2017માં ન્યૂઝીલેન્ડ સામે 20 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ત્રીજી મેચ તેણે 2020માં ઓસ્ટ્રેલિયા સામે દસ રન બનાવ્યા હતા. વાનખેડે ખાતેની ચાર મેચમાં રોહિત કુલ 50 રન બનાવી શક્યો છે.