યાત્રાધામ અને સંતોની ભૂમિ પર હૃદયદ્રાવક આંકડા
ગુજરાતમાં મંજૂરી સાથે ધમધમતા ૧૦,૭3પ કતલખાના
કેન્દ્ર સરકારનો રિપોર્ટ, ૨૦૨૪-૨૫માં રાજયમાં 3૪૦૪૫ ટન માંસનું ઉત્પાદન, પોલ્ટ્રીફાર્મને પ્રોત્સાહન આપતા વર્ષે ત્રણેક કરોડથી વધુના મરઘાની કતલની રાવ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
દેશભરમાં અહિંસા અને શાકાહારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં 10,735 રજિસ્ટર્ડ કતલખાનાને સરકારે સત્તાવાર મંજૂરી આપેલી છે, જ્યારે 2,176 ગેરકાયદેસર કતલખાના કોઈપણ ડર વગર ધમધમી રહ્યા છે. ચૂંટણી સમયે હિન્દુત્વ, ગૌરક્ષા અને અહિંસાના નામે મતો મેળવીને સત્તામાં આવેલી સરકારના શાસનમાં જ કસાઈઓને ખુલ્લો દોર મળી રહ્યો હોય તેવું ચિત્ર ઊભું થયું છે.
કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતમાં 34,045 ટન માંસનું ઉત્પાદન થયું છે. દરરોજ હજારો ઘેટાં-બકરાં અને ભેંસોને કતલખાને ધકેલાય છે, જ્યારે પોલ્ટ્રી ફાર્મને પ્રોત્સાહન અપાતાં વર્ષે ત્રણેક કરોડથી વધુ મરઘાંની કતલ કરવામાં આવે છે.
અમદાવાદમાં હિન્દુત્વની વાતો વચ્ચે શાસક પક્ષના નેતાઓ જ માંસાહારને પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાજ્યમાં હજારો કતલખાના ચાલવા છતાં કસાઈઓને ઊંની આંચ આવતી નથી, જેની પાછળ રાજકીય આશીર્વાદ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કસાઈઓ મસમોટા હપ્તા આપીને પોતાના વાહનો પર કમળનું સ્ટીકર લગાવી ખુલ્લેઆમ પશુઓને કતલખાને લઈ જાય છે, અને ગાંધીનગરથી મળેલી સૂચનાઓને કારણે સ્થાનિક પોલીસ પણ મૌન સાધી બેઠી છે.
લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓએ ગુજરાત સરકારના દાવાઓની પોલ ખોલી નાખી છે. પાછલાં ત્રણેક વર્ષમાં ગુજરાતમાં ભેંસના માંસનું ઉત્પાદન 34.55 મેટ્રિક ટન અને ઘેટાંના માંસનું ઉત્પાદન 88.52 મેટ્રિક ટન નોંધાયું છે. આ જ સમયગાળા દરમિયાન 9.85 કરોડ મરઘાંની કતલ સાથે કુલ માંસનું ઉત્પાદન 98,895 મેટ્રિક ટન પર પહોંચ્યું હતું. પંજાબ, દિલ્હી, ઝારખંડ, હરિયાણા, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા મોટા પ્રમાણમાં માંસાહાર કરતા રાજ્યો કરતાં પણ પવિત્ર યાત્રાધામો અને સંતોની ભૂમિ ગણાતા ગુજરાતમાં કતલખાનાની સંખ્યા નોંધપાત્ર રીતે વધારે છે.
યુવા પેઢી અને સંસ્કૃતિ પર વધતી અસર
રાજ્યમાં હવે શાકાહારી ઓળખ સામે મોટો પડકાર ઊભો થયો છે. માંસાહારી લારીઓ, હોટલો અને રેસ્ટોરન્ટ્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નવી યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ અને ખાણીપીણીની બદલાતી આદતો તરફ વળી રહી છે, જેના કારણે નોનવેજ ખાવામાં હવે કોઈ સંકોચ રહ્યો નથી. પરિણામે, ગુજરાત પોતાની મૂળભૂત અને ઐતિહાસિક શાકાહારી રાજ્ય તરીકેની ઓળખ ધીમે ધીમે ગુમાવી રહ્યું છે.
વિવિધ રાજ્યોમાં કતલખાનાની સ્થિતિ
| રાજ્ય | રજિસ્ટર્ડ કતલખાના | ગેરકાયદેસર કતલખાના |
| મહારાષ્ટ્ર | 63,587 | 9,942 |
| તામિલનાડુ | 41,351 | 8,010 |
| ઉત્તર પ્રદેશ | 31,349 | 7,518 |
| આંધ્ર પ્રદેશ | 16,082 | 5,571 |
| મધ્ય પ્રદેશ | 11,260 | 1,266 |
| ગુજરાત | 10,735 | 2,176 |
| આસામ | 6,730 | 2,510 |
| ઓડિશા | 3,805 | 2,569 |
| રાજસ્થાન | 3,585 | 2,569 |
| કર્ણાટક | 1,885 | 6,214 |
| ઝારખંડ | 1,471 | 879 |
| પંજાબ | 916 | 111 |
| ત્રિપુરા | 235 | 805 |


