સોમનાથમાં ‘સ્વદેશી હાટ બજાર‘ની ૮ દુકાનોમાંથી ૩૪ કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો
શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે કલેક્ટર જે. એન. વાઘેલાના આદેશથી લાલઆંખ; ૨૩ દુકાનોના ચેકિંગ બાદ જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
શ્રાવણ માસ દરમ્યાન યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓને ગુણવત્તાયુક્ત, સ્વચ્છ અને સલામત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તથા ખાદ્ય ચીજવસ્તુઓના સેવનથી આરોગ્યને કોઈ નુકસાન ન થાય તે હેતુસર જીલ્લા કલેકટર જે. એન. વાઘેલાની સૂચનાત અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ ખોરાક અને ઔષધ નિયમન ફુડ વિભાગ દ્વારા સોમનાથ મંદિર પાસે ખાણીપીણી માટે બનાવેલ સ્વદેશી હાર્ટ બજારની દુકાનોમાં ખાસ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફુડ વિભાગની ટીમની તપાસ દરમ્યાન કુલ 23 રેસ્ટોરન્ટ/ ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પાર્થ મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ, પારસ રેસ્ટોરન્ટ, જય સોમનાથ રેસ્ટોરન્ટ, મારૂતિ રેસ્ટોરન્ટ, શિવ લહેરી રેસ્ટોરન્ટ, ન્યુ શક્તિ ફાસ્ટ ફુડ, શ્રીનાથજી રેસ્ટોરન્ટ, સોમનાથ સાગર ફાસ્ટ ફુડ સહિત 8 સ્થળોએ તપાસમાં 34 કિલો વાસી, અખાદ્ય તથા મુદત બાહ્ય ખાદ્ય જથ્થો મળી આવેલ જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ તપાસમાં સંબંધિત દુકાનદારોને ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવવા, ખાદ્ય પદાર્થોના સંગ્રહ, તૈયાર કરવા તથા વેચાણમાં સ્વચ્છતા અને જરૂરી હાઇજેનિક ધોરણોનું ચુસ્તપણે પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સુચના પ્રત્યે બેદરકારી કે નિયમોનું ઉલ્લંઘન કરતું જણાશે તો જવાબદારો સામે ફુડ કાયદા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


