વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો
હમ્પબેક વ્હેલનું વિશાળ ટ્રોલર સાથે અથડામણથી મોત થયાની વન વિભાગની આશંકા
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલ માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. દરિયાકાંઠે વ્હેલ માછલી આવ્યાના સમાચાર વાયુ વેગે શહેરભરમાં પ્રસરી જતા લોકોના ટોળેટોળા વ્હેલમાછલીને જોવા દરિયાકાંઠે ઉમટી પડ્યા હતા. આ અંગે જાણ થતાં વન વિભાગની ટીમે સ્થળ ઉપર દોડી આવી વ્હેલ માછલીના મૃતદેહને બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી.
આજે બપોરના સમયે વેરાવળના બંદર વિસ્તારના દરીયાકાંઠે મહાકાય વ્હેલનો મૃતદેહ તણાઈ આવતા ભારે ચકચાર પ્રસરી હતી. જેની જાણ થતાં વ્હેલને જોવા માટે લોકોના ટોળેટોળા દરિયાકાંઠે ઉમટી પડ્યા હતા. આ અંગે જાણ થતાં વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં તણાઈ આવેલ મૃતદેહ વ્હેલ શાર્ક નહીં પરંતુ હમ્પબેક વ્હેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ. આ વ્હેલ માછલી વિશાળ ટ્રોલર સાથે અથડામણથી મોત થયાની વન વિભાગએ આશંકા વ્યક્ત કરી તપાસ હાથ ધરી હતી. જો કે, વ્હેલના મૃતદેહની હાલની સ્થિતિ જોતા કેટલાક દિવસ અગાઉ મોત થયાનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ. તો વનવિભાગએ મશીનરીની મદદથી વ્હેલનો મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ વ્હેલના મૃતદેહનું વેટરનરી ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાશે જેમાં મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.


