વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત
ભાલકા વિસ્તારના રહેણાંક એરીયામાં કોઈપણ મંજૂરી કે લાયસન્સ વગર મીની ફેકટરી ધમધમી રહી હતી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળના ભાલકા વિસ્તારમાં આવેલા એકતાનગરના રહેણાંક એરીયામાં કોઈપણ જાતની મંજુરી કે લાયસન્સ વગર ‘બંસી ગૃહ ઉદ્યોગ’ના નામે ચાલતી બોગસ મિની કેમિકલ ફેક્ટરીનો ગીર સોમનાથ SOG ની ટીમે દરોડો પાડી પર્દાફાશ કર્યો છે. SOG ની ટીમે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડતા કેમિકલ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ.1.50 લાખની કિંમતનું કેમીકલ સંબંધિત રો-મટીરિયલ તથા મશીનરી કબજે કરી આગળ તપાસ હાથ ધરી છે. જેમાં મામલતદાર, જીપીસીબી અને વીજ વિભાગની ટીમો પણ જોડાઈ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાલકા વિસ્તારમાં કેમીકલ બનાવવાનું ગેરકાયદેસર કામગીરી ચાલી રહી હોવા અંગે SOG ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી તપાસ હાથ ધરતા જરૂરી નિયમો અને મંજૂરીઓ અંગે શંકાસ્પદ જણાયેલ અને કેમિકલ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું જોવા મળ્યુ હતુ. સ્થળ પરથી વિવિધ પ્રકારનું રો-મટીરિયલ, કેમિકલ બનાવવાની કામગીરીમાં ઉપયોગમાં લેવાતી મશીનરી મળી આવી હતી. SOG એ પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી રો-મટીરિયલ અને મશીનરીની કુલ અંદાજે રૂ.1.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ દરોડાની કાર્યવાહી અંગે SOG એ જાણ કરતા જીપીસીબી તથા મામલતદાર કચેરીની ટીમો તપાસમાં જોડાઈ હતી. ત્યારે એકમ ધારક પાસે કોઈપણ જાતની મંજુરી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ. જો કે, બંન્ને વિભાગોની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને એકમની કામગીરી, રો-મટીરિયલ, મશીનરી તથા અન્ય પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સ્થળ પર કેમિકલ સંબંધિત એકમમાં જરૂરી લાયસન્સ, પરવાનગીઓ, પર્યાવરણીય મંજૂરીઓ તથા સલામતીના નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. એકમમાં કાયદેસર રીતે કામગીરી કરવામાં આવતી હતી કે નહીં તે બાબતે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. આ દરોડાની ચાલી રહેલ તપાસ પૂર્ણ થયા બાદ શું સામે આવે છે તે જોવું રહ્યુ અને ત્યારબાદ જ જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવી શક્યતા લાગી રહી છે.


