શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ
વિક્રમજનક 91 ધ્વજાપૂજા, 73 સોમેશ્વર મહાપૂજા અને મહામૃત્યુંજય યજ્ઞમાં 57 હજારથી વધુ આહુત્યોનું હોમ
પાલખીયાત્રામાં જોડાઈ શિવભક્તો ભાવવિભોર બન્યા
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
શિવની ભક્તિ માટે પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના સૌથી પહેલા દર્શન કરવાની અપેક્ષાએ અને ભક્તિનું ભાથું ભરવા માટે મોડીરાત્રીથી હજારોની સંખ્યામાં શિવભક્તો યાત્રાધામ નગરી સોમનાથમાં પહોંચી ગયા હતા. વ્હેલી સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ખુલતા સમયે હર હર મહાદેવ, જય સોમનાથના જયઘોષ બોલાવતા જોવા મળ્યા હતા. વ્હેલી સવારથી જ સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળેલ અને સમગ્ર પરિસર “હર હર મહાદેવ” તથા “જય સોમનાથ” ના નાદથી સતત ગુંજી રહ્યુ હતુ. સાંજે 06:00 સુધીમાં 1.43 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા ગત વર્ષની સરખામણીએ બમણો યાત્રી પ્રવાહ નોંધાયો છે.
શ્રાવણ ના પ્રથમ સોમવારે સવારે 7 વાગ્યે મહાપૂજા અને મહાઆરતી સમયે સોમનાથ મહાદેવને સફેદ વસ્ત્રો અને ગુલાબ સહિતના વિવિધ પુષ્પોનો અલૌકિક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બન્યા હતા. બાદમાં સવારે 8 વાગ્યાથી સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા સહિતની જુદી જુદી પૂજાઓનો પ્રારંભ ભાવિકોના હસ્તે પ્રારંભ થયો હતો. બાદમાં સવારે 9:30 વાગ્યે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવની ભવ્ય પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ ટ્રસ્ટી પી.કે.લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા સહિતનાના હસ્તે સોમનાથ મહાદેવના મુખારવિંદની પૂજા અર્ચના કરાઈ હતી. બાદમાં મહાદેવના મુખારવિંદને પાલખીમાં બેસાડીને મંદિર પરિસરમાં નગરચર્યાએ લઈ જવામાં આવ્યા હતા. આ સમયે મંદિર પરિસ્થિતિ પરિસરમાં ઉપસ્થિત હજારો શિવભક્તોને આશીર્વાદ આપવા સ્વયં મહાદેવ આવ્યા હોય તેવી અનુભૂતિ ભાવિકોને થઈ હતી. આ પાલખીયાત્રામાં અનેક ભાવિકોને પાલખીને ઊંચકી પુણ્યનું ભાથુ બાંધવાનો લ્હાવો પ્રાપ્ત થયો હતો.પાલખીયાત્રા દરમ્યાન ભાવિકોના જય સોમનાથ, હર હર મહાદેવના નાદથી યાત્રાધામનું વાતાવરણ શિવમય બની ગયું હતું. કોરોના મહામારી બાદ લોકોમાં આસ્થા વધુ સુદ્રઢ બની હોય તે ગત વર્ષોમાં શ્રદ્ધાળુઓમાં વધતી સંખ્યા અને પૂજા કાર્ય પ્રત્યેના ઉત્સાહ થી અનુભવી શકાય છે. ઉલ્લેખનીય છે કે સાંજે 6:00 વાગ્યા સુધીમાં 1.43 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.


