પડધરી પાસે કાળ બનીને આવ્યું વાછરડું ; બાઈક સ્લીપ થતાં 25 વર્ષીય પરિણીતા મોતને ભેટી
પતિ અને બે સંતાનો સાથે પિયર જતાં રસ્તામાં અકસ્માત નડ્યો; બે બાળકો માતાની છત્રછાયા ગુમાવતા તરઘડી ગામમાં શોકનો માહોલ
અગ્ર ગુજરાત, રાજકોટ
પડધરી નજીક રસ્તા પર અચાનક આડે ઉતરેલું વાછરડું એક પરિવાર માટે કાળ બનીને આવ્યું હતું. પતિ અને બે સંતાનો સાથે રાજકોટ પિયર જવા નીકળેલાં તરઘડી ગામનાં 25 વર્ષીય સોનલબેન સોલંકીની બાઈક સ્લીપ થવાના કારણે ગંભીર ઇજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પતિ અને બંને બાળકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. માતાનું છત્ર ગુમાવનાર બે સંતાનોને લઈને પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પડધરી તાલુકાના તરઘડી ગામે રહેતાં સોનલબેન જયેશભાઈ સોલંકી (ઉં.વ. 25) ગઈકાલે સવારે આશરે 11 વાગ્યે પોતાના પતિ જયેશભાઈ માવજીભાઈ સોલંકી (ઉં.વ. 26)ની બાઈક પર પાછળ બેઠાં હતાં. તેમની સાથે પુત્ર અને પુત્રી પણ હતાં. પરિવાર રાજકોટ ખાતે સોનલબેનના પિયર જવા માટે નીકળ્યો હતો. દરમિયાન પડધરીના રંગપર નજીક પહોંચતાં બાઈકની આડે અચાનક વાછરડું ઉતરતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક સ્લીપ થઈ જતાં ચારેય રસ્તા પર પટકાયાં હતાં. આ અકસ્માતમાં સોનલબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના પતિ અને બંને બાળકોને સામાન્ય ઇજા થઈ હતી.
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સોનલબેનને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પિયર જવા નીકળેલા પરિવારની ખુશી ગણતરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતાં સોલંકી પરિવારમાં આઘાત અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.


