આટકોટના સ્વામિનારાયણ મંદિરે ખાનગી તથા સાર્વજનિક જમીન પર કરેલ દબાણ અંગે ફરિયાદ
દબાણ દૂર કરવા તંત્ર દ્વારા મંદિરને અપાયેલ નોટીસ
અગ્ર ગુજરાત, આટકોટ
જશદણ તાલુકાનાં આટકોટ ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરે, વિરજા વાડી તરીકે ઓળખાતી આટકોટ ગામની સર્વે નં. ૧૬૩ પૈકીની જમીનના બિનખેતીના ઘણા પ્લોટની ખરીદી કરેલ હતી અને ત્યાર બાદ આ બિનખેતીની જમીનના સાર્વજનિક પ્લોટ તથા રોડ રસ્તા પર દબાણ કરી તેના પર કબજો કરી । લીધેલ છે. તેમજ બાજુના ખેતીના સર્વે નં.૧૬૩/૧પૈકી૧ની ખેતીની જમીન તથા સર્વે નં. ૧૬૩/૩ની ખેતીની જમીન તથા સરકારી ખરાબાની મળી હજારો મીટર જમીન પર દબાણ કરી ગેરકાયદેસર રીતે કબજો કરી, અંદાજે ૧૦ ફૂટ જેટલી ઊંચી કમ્પાઉંડ વોલ કરી તેમાં મોટા દરવાજા મૂકી તેને લોક કરી દીધેલ છે. અને પોતાના માણસોની અવાર-જવર ની સગવડતા માટે એક માત્ર ગેટ ખુલ્લો રાખે છે. તમામ જાહેર રસ્તા બંધ કરી દીધેલ છે. આમ આ ધાર્મિક સંસ્થા એ ભૂમાફિયા જેવી પ્રવૃતિ કરેલ છે. આ બાબતે સરકારી તંત્રને ફરિયાદ થતાં, છેવટે ગ્રામ પંચાયત આટકોટ તરફથી સ્વામિનારાયણ મંદિર, આટકોટને નોટિશ આપવામાં આવેલ છે. અને અરજદાર ની ખાનગી માલીકીની જમીન પર કરેલ દબાણના કેશમાં તેમની પાસે કોઈ આધાર પુરાવા હોઇ તો રજૂ કરવાં જણાવવામાં આવેલ છે. અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવેલ છે. આમ આ વિસ્તારમાં આ મંદિરને લગત દબાણનો પ્રશ્ન ચર્ચાસ્પદ બનેલ છે. અને શ્રદ્ધાળુઓની મંદિર પ્રત્યેની ગરિમાને ઠેસ પહોચેલ છે.


