મહર્ષિ વાલ્મીકિ જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા મંચ દ્વારા પુષ્પાંજલિ અર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
આદિકવિ અને મહાકાવ્ય રામાયણના રચયિતા ભગવાન શ્રી મહર્ષિ વાલ્મીકિજીની જન્મજયંતિ નિમિત્તે સોમવાર, તા. ૨૬ ઓક્ટોબરના રોજ રાજકોટના સર્કિટ હાઉસ પાસે આવેલા શારદા બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
સામાજિક સમરસતા મંચના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ તથા કાર્યકર્તાઓએ મહર્ષિ વાલ્મીકિજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મસ્તક નમાવી ભાવપૂર્વક વંદન અને પ્રણામ કર્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સંઘચાલક માનનીય મુકેશભાઈ મલકાણ, સૌરાષ્ટ્ર પ્રાંતના વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે, કિશોરભાઈ મુંગલપરા, રાજકોટ મહાનગરના સંઘચાલક ડૉ. જીતેન્દ્રભાઈ અમલાણી તથા મારુતિ વિસ્તારના કાર્યવાહ સુરેશભાઈ રાઘવણી સહિત સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા મહર્ષિ વાલ્મીકિજીના જીવન અને તેમના મહાન સાહિત્યિક યોગદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવામાં આવ્યું હતું.


