સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડમાં દિવાળી બાદ ડામર, રિ-કાર્પેટીંગ, ડીઝાઈન રોડ બનશે
માધાપર, યાજ્ઞિક રોડ, દાણાપીઠ, સોનીબજાર, ધર્મેન્દ્ર રોડની કાયાપલટ થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં દિવાળી બાદ રૂ45.76 કરોડના મસમોટા ખર્ચે નવા ડામર રોડ, રી-કાર્પેટિંગ અને ડિઝાઇન રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નં. 2,3,7,13,14 અને 15 હેઠળ આવતા માધાપર, યાજ્ઞિક રોડ, દાણાપીઠ, સોની બજાર અને ધર્મેન્દ્ર રોડ સહિતના મુખ્ય તથા આંતરિક માર્ગોની કાયાપલટ થવા જઈ રહી છે.
છેલ્લા દોઢ વર્ષ દરમિયાન મધ્ય રાજકોટમાં પીવાની પાણીની ડી.આઈ. પાઈપલાઈન અને ડ્રેનેજ લાઈન નાખવા માટે વ્યાપક પ્રમાણમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ચોમાસા અને ભારે વાહનોની અવરજવરના કારણે આ રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા હતા અને તંત્ર દ્વારા કરવામાં આવેલું કામચલાઉ પેચવર્ક નિષ્ફળ નીવડ્યું હતું. તાજેતરની સામાન્ય સભામાં કોર્પોરેટરોએ ભંગાર રસ્તાઓનો પ્રશ્ન ઉઠાવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને બાંધકામ શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત 27 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી ઈ-ટેન્ડર ડાઉનલોડ કરી શકાશે, જ્યારે ૨૫ નવેમ્બર સુધી ફિઝિકલ સબમિશન થશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ દિવાળીના તહેવારો પછી તરત જ ડામર કામનો પ્રારંભ થાય તેવી સંભાવના છે. ડામરના ભાવોમાં વધઘટ વચ્ચે ‘સ્ટાર રેટ’ની શરત રાખવામાં આવી હોવા છતાં, ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે એજન્સીઓને કડક તાકીદ કરવામાં આવશે તેવી લોકમાગ છે.
નવા ડામર રોડ અને પેવર વર્ક થવાથી જૂના રાજકોટ અને માધાપર વિસ્તારના લાખો રહીશો તેમજ વેપારીઓને ઉડતી ધૂળ, ટ્રાફિક જામ અને ખાડાઓની હાલાકીમાંથી કાયમી છુટકારો મળશે. સેન્ટ્રલ ઝોનની સફળતા બાદ હવે આગામી સમયમાં ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં પણ આવા વિકાસકાર્યોના ટેન્ડર બહાર પાડવાની તંત્રની તૈયારી છે, જેનાથી સમગ્ર રાજકોટ શહેરના રસ્તાઓ સુધરશે.


