સાંસદ ભરતભાઈ સુતરીયાનો આક્રમક મિજાજ; ખેડૂતોને હેરાન ન કરવા ટકોર
અમરેલીમાં RTOની ટીમે ખેડૂતોની કપાસ ભરેલી ગાડી રોકતા સાંસદે અધિકારીને કહ્યું ‘ ખેડૂતોને હેરાન ન કરો!
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા ફરી એકવાર પોતાના આગવા અને કડક મિજાજને કારણે ભારે ચર્ચામાં આવ્યા છે. લાઠી તાલુકાના ચાવંડ નજીક RTO ની ટીમ દ્વારા એક સ્થાનિક ખેડૂતની કપાસ ભરેલી ગાડીને રોકવામાં આવતા વિવાદ સર્જાયો હતો. RTO અધિકારીઓની પરેશાનીથી ખેડૂતે સીધો અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને પોતાની આપવીતી જણાવી હતી. ખેડૂતની વાત સાંભળતા જ સાંસદ ભરતભાઈ સુતરીયા ખેડૂતોની વહારે આવ્યા હતા. લાઠી ખાતે આયોજિત સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા સાંસદે કાર્યક્રમની વચ્ચે જ મોબાઈલ ફોન પર સંબંધિત અધિકારીનો સંપર્ક કર્યો હતો. જાહેરમાં જ ફોન પર વાત કરતા સાંસદે અધિકારીને કડક શબ્દોમાં તતડાવી નાખ્યા હતા. લાઠી સ્વદેશી મેળાના મંચ પરથી જ સાંસદે અધિકારીને કહ્યું કે, “ખેડૂતોને કોઈપણ જાતની ખોટી હેરાનગતિ ન થવી જોઈએ. તેમણે અધિકારીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કપાસ ભરેલી ગાડીઓ હોય કે સુરત કે અન્ય શહેરોમાંથી આવતા સામાન્ય મુસાફરોના વાહનોને હેરાનગતિ થવી જોઈએ. સાંસદ મૂળ પોતે જ એક ખેડૂત પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાથી સાંસદ ભરત સુતરીયાનો આ આક્રમક ખેડૂતવાદી અંદાજ લોકોમાં ભારે પ્રશંસા પામી રહ્યો છે. સામાન્ય જનતા અને ખેડૂતોના પ્રશ્ને કાયદાનો દરૂપયોગ કરતા તંત્ર સામે આ રીતે લાલઆંખ કરીને તેમણે સાબિત કર્યું છે કે તેઓ જનતાની પડખે ઊભા છે.


