પ૦થી વધુ IRS અધિકારી, કર્મચારીઓને ખાસ તેડું : અનેક સ્થળોએ દિવાળી ટાંણે જ તપાસથી વેપાર ઉદ્યોગ આલમમાં દોડધામ
અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ અને સિપરમ ગ્રુપ સહિત બે થી ત્રણ બિલ્ડરોને ત્યાં દરોડા : બે ડઝનથી વધુ સ્થળોએ તપાસ
અમદાવાદ ખાતે આજે વહેલી સવારે આવકવેરા ખાતાએ જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમ ગ્રુપના માલિકોના રેહઠાણ,ઓફિસ અને તેમની સાથે આર્થિક રીતે જોડાયેલા ભાગીદારો અને રોકાણકારો તથા પ્રોવાઇડરોને ત્યાં દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરતાં વેપાર ઉદ્યોગ આલમમાં દોડધામ મચી ગઇ હતી. દિવાળી પર્વને હવે માત્ર ગણતરીના દિવસોની વાર છે ત્યારે જ આ દરોડા પડતાં વેપાર ઉદ્યોગ આલમમાં કચવાટ પણ ફેલાયો છે. દરમિયાનામાં અંદાજે બે ડઝન જેટલા સ્થળે આવકવેરાનું મેગા ઓપરેશન હોવાથી માત્ર અમદાવાદ આવકવેરાની ટીમ પુરી પડે તેમ ન હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાંથી અંદાજે પ૦થી વધુ આઇઆરએસ અધિકારીઓ અને તેમની નીચેની કર્મચારીઓની ટીમને ગઇ કાલે જ તેડું આવી ગયુ હોવાનું જાણવા મળે છે.
દરમિયાનમાં અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર વિશેષ પ્રોજેકટ કરનાર બિલ્ડર ત્રિકમ પટેલ, અનિલ પટેલ સહિત બે ડઝન સ્થળોએ સવારથી તપાસ શરૂ થઇ હતી.
અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમ ગ્રુપ ઉપર આવકવેરા તંત્રએ તપાસની તવાઇ અને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અવિરત ગ્રુપના કનુભાઇ પટેલ, સંદિપ પટેલ અને બળદેવ પટેલને ત્યાં તપાસ શરૂ થઇ હતી. આ લોકો સાથે જોડાયેલા અમદાવાદના બે ટોચના બ્રોકર અને અન્ય ભાગીદારો પણ આઇટીની ઝપટમાં આવી ગયા છે.
બિલ્ડરની હાઇકોર્ટ રોડ ઉપર આવેલી ઓફિસ નિવાસસ્થાનો, સાઇટ ઓફિસ સહિતના સ્થળોએ તપાસ ચાલુ છે. રાજકોટ સૌરાષ્ટ્રના પ૦થી વધુ અને કુલ ૧પ૦થી વધુ આયકર અધિકારીઓ અને કર્મચારીઓ કાર્યવાહિમાં જોડાયા છે.


