જેતપુરના વોર્ડ નં.૩માં પાણીની તંગીથી રોષે ભરાયેલી મહિલાઓનો પાલિકામાં હોબાળો
તહેવાર ટાણે જ પાણીની હોળી સર્જાતા હેરાનગતિ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર શહેરના વોર્ડ નંબર ૩ માં આવેલા ધારેશ્વર દાતાર તકિયા વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી પીવાના પાણીનું વિતરણ સંપૂર્ણપણે ઠપ થઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત બનેલી આ વિસ્તારની મહિલાઓએ એકઠા થઈને નગરપાલિકા તંત્ર વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં હાલ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન જેસીબી મશીન દ્વારા નળ કનેક્શનની મુખ્ય લાઈનો તોડી નાખવામાં આવી છે. પાઈપલાઈન તૂટી ગયા બાદ તંત્ર દ્વારા તેનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે છેલ્લા ૧૦ દિવસથી ઘરોમાં એક પણ ટીપું પાણી આવ્યું નથી. પાણી ન મળવાને લીધે મહિલાઓને ઘરકામ કરવા તેમજ રોજિંદા જીવનમાં અતિશય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કે ચૂંટાયેલા સદસ્યોને રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ચુંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની હાલાકી પ્રત્યે સાવ ઉદાસીન વલણ અપનાવી રહ્યા છે, જેથી નારાજ મહિલાઓએ “નગરપાલિકા હાય હાય” ના નારા લગાવી આખો વિસ્તાર ગજવી મૂક્યો હતો.
હાલ પૂરતું નગરપાલિકા તરફથી મોકલવામાં આવતા એકાદ-બે ટેન્કર પણ અપૂરતા સાબિત થઈ રહ્યા છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તૂટેલી પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવે અને જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં પાણીના ટેન્કર મોકલી વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. જો આગામી દિવસોમાં પાણી પુરવઠો યથાવત નહીં કરાય, તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ મહિલાઓએ ઉચ્ચારી છે.


