વલભીપુરમાં આરોગ્ય કેન્દ્ર બાદ હવે એસટી ડેપોમાં પણ વૃક્ષો કપાતાં સવાલો!
મંજૂરી લેવામાં આવી છે કે પછી વૃક્ષોના લાકડામાંથી રોકડી કરવામાં આવી રહી છે?
અગ્ર ગુજરાત, વલભીપુર
વલભીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાની ચર્ચા વચ્ચે હવે વલભીપુર એસટી બસ ડેપો ખાતે પણ વર્ષો જૂનાં ઘટાદાર વૃક્ષો કાપવામાં આવતાં અનેક સવાલો ઊભા થયા છે.
એક તરફ સરકાર દ્વારા પર્યાવરણનું જતન કરવા અને વૃક્ષો વાવવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ જાહેર સ્થળોએ વર્ષો જૂનાં ઘટાદાર વૃક્ષો કાપવામાં આવતાં પર્યાવરણનું સંતુલન જાળવવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકો સવાલ કરી રહ્યા છે કે વલભીપુર આરોગ્ય કેન્દ્ર અને એસટી ડેપો ખાતે વૃક્ષો કાપવા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા સંબંધિત વિભાગની કાયદેસરની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ?
લોકોમાં એવી પણ ચર્ચા છે કે કોન્ટ્રાક્ટરો વૃક્ષોનું કટિંગ કરીને તેના લાકડામાંથી રોકડી કરી રહ્યા છે કે કેમ? જો આવી કોઈ કામગીરી થઈ હોય તો કાપવામાં આવેલાં વૃક્ષોનું લાકડું ક્યાં લઈ જવામાં આવ્યું અને તેનો હિસાબ કોની પાસે છે તે અંગે પણ તપાસ થવી જોઈએ. લોકોની માંગ છે કે આરોગ્ય કેન્દ્ર અને એસટી ડેપો બંને સ્થળે કાપવામાં આવેલાં વૃક્ષોની સંખ્યા, મંજૂરીના દસ્તાવેજો તથા લાકડાના નિકાલ અંગે તપાસ કરવામાં આવે.
હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ હાથ ધરે છે કે પછી જાહેર સ્થળોનાં વર્ષો જૂનાં વૃક્ષો કપાતાં રહેશે અને જવાબદાર તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોતું રહેશે?


