ગાયોના વાડે જતાં દંપતીની બાઇક સ્પીડ બ્રેકર પર ઉછળતાં પત્નીનું મોત
નવા સ્પીડ બ્રેકરની જાણ ન હોવાથી બાઇક પરથી નીચે પટકાતા માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ બાદ દમ તોડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામ નજીક રોડ પર આવેલા નવા સ્પીડ બ્રેકર પર બાઇક ઉછળતાં પાછળ બેઠેલાં મહિલાનું નીચે પટકાઈ જવાથી ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. પતિ સાથે ગાયોના વાડે દૂધ દોહવા જતાં સમયે આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં વહેલી સવારે તેમનું મોત થયું હતું. આ બનાવથી ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કાંગશીયાળી ગામમાં સ્થાપત્ય ગ્રીન સિટીના બ્લોક નં. 101માં રહેતા નરેન્દ્રભાઈ ગોપાલભાઈ સઇજા (ઉં.વ. 50) ગઈકાલે સાંજે આશરે પાંચ વાગ્યે પત્ની ટીનાબેન નરેન્દ્રભાઈ સઇજા (ઉં.વ. 41)ને બાઇક પર બેસાડીને ગામની સીમમાં આવેલા પોતાના ગાયોના વાડે જઈ રહ્યા હતા. દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્રભાઈ વાડામાં ગાયો રાખે છે અને ગાયનું દૂધ દોહવા માટે પત્નીને સાથે લઈ જઈ રહ્યા હતા.
દંપતી કાંગશીયાળીના હુસેની ચોક નજીક પહોંચ્યું ત્યારે રોડ પર આવેલા સ્પીડ બ્રેકર પરથી બાઇક પસાર થતાં અચાનક ઉછળી હતી. આ દરમિયાન બાઇક પરનો કાબૂ ગુમાવાતાં પાછળ બેઠેલાં ટીનાબેન નીચે પટકાયાં હતાં. અકસ્માતમાં તેમને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન વહેલી સવારે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નરેન્દ્રભાઈના જણાવ્યા મુજબ, અકસ્માત જ્યાં થયો તે સ્થળે અગાઉ સ્પીડ બ્રેકર નહોતું. ત્યાં નવું સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હોવાની જાણ ન હોવાથી બાઇક પસાર કરતી વખતે અચાનક આ સ્થિતિ સર્જાઈ હતી. જોકે, અકસ્માતનાં ચોક્કસ સંજોગો અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. ટીનાબેનના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે. માતાના અચાનક અવસાનથી ત્રણેય સંતાનોએ માતાની હૂંફ ગુમાવી છે. ગાયોના વાડે દૂધ દોહવા જતાં દંપતી સાથે બનેલી આ કરુણ ઘટનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.


