મંત્રી જીતુભાઇ કારીગર બન્યા, ગાંઠિયા-મરચા તળ્યા
રન ફોર યુનિટી બાદ કોટેચા ચોકમાં પ્રભારી મંત્રીનો અનોખો અંદાજ, ગાંઠીયાની મોજ માણતા અગ્રણીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટનાં કોટેચા ચોકમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જાતે જ ગાંઠિયા અને મરચા તળીને તેમની ટીમ સાથે બેસી ફાફડાની મોજ લેતા જોવા મળ્યા હતા. સરદાર પટેલની જન્મજ્યંતિ નિમિત્તે યોજાયેલા ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ બાદ વાઘાણી કોટેચા ચોકમાં પહોંચ્યા હતા. જ્યાં જાતે જ ગાંઠિયા અને મરચા બનાવ્યા હતા. બાદમાં પોતાની ટીમ સાથે બેસી ફાફડા-જલેબીની મોજ માણતા જોવા મળ્યા હતા. વાઘાણી ગાંઠિયા બનાવી રહ્યા હોવાનો વીડિયો સામે આવતા લોકો પણ તેમની સાદગીની પ્રશંસા કરી હતી.
રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ નિમિત્તે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવી હતી, જેમાં રાજકોટ જિલ્લાના પ્રભારી અને મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીઓ, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ જોડાયા હતા. રિંગ રોડ ફરતે યોજાયેલી આ રન ફોર યુનિટી દોડમાં તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પદાધિકારીઓ સાથે કોટેચા ચોક પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે ફાફડા અને જલેબીની લિજ્જત માણી હતી. દરમિયાન એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં મંત્રી જીતુ વાઘાણી જાતે જ કડાઈમાં ગાંઠિયા અને મરચા તળતા નજરે પડ્યા હતા. તેમના આ અંદાજે ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.


