મોરબીના પ્રેમજીનગરમાં વાંકાનેરના યુવાન પર હુમલો
અગાઉની ફરિયાદનો ખાર રાખી બે શખસોએ કારના કાચ તોડી આપી ધમકી
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીના પ્રેમજીનગર વિસ્તારમાં વાંકાનેરના યુવાનના ભાઈએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી બે શખ્સોએ લોખંડના પાઈપ વડે કારના કાચ તોડી તોડફોડ કરી હતી. આ સાથે જ યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભોગ બનનાર યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા અજય સુમેસરાએ રોહિત ચાવડા અને અનુ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પ્રેમજીનગર પાસે પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓએ અચાનક આવી લોખંડના પાઈપ વડે કારના ડ્રાઈવર સાઈડના કાચ પર પ્રહાર કરી કાચ તોડી નાખ્યો હતો અને ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી.
ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી રોહિત ચાવડા મૂળ મહિકાનો રહેવાસી છે અને તે વાંકાનેરના આંબેડકર વિસ્તારમાં આવીને લોકોને હેરાન કરતો હતો. આ અંગે ફરિયાદીના ભાઈ સહિતના લોકોએ અગાઉ પોલીસમાં રજૂઆત અને ફરિયાદ કરી હતી. આ જૂની બાબતની અદાવત રાખીને આરોપીઓએ કારમાં તોડફોડ કરી હુમલો કર્યો હતો.
અકસ્માત અને હુમલાની આ ઘટના બાદ ભોગ બનનાર યુવાને તુરંત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર બનાવ અંગે વિગતવાર ગુનો નોંધાવ્યો હતો. પોલીસે અજય સુમેસરાની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે કાયદેસરની ગુનો નોંધી તેમની અટકાયત કરવા માટે તજવીજ હાથ ધરી છે.


