7.48 કરોડના બોગસ GST બિલિંગ કેસમાં બંને આરોપીઓ નિર્દોષ
બનાવટી દસ્તાવેજો કે સરકારી તિજોરી સાથે છેતરપિંડી થઈ હોવાનો વિશ્વસનીય પુરાવો ન મળતાં અદાલતનો ચુકાદો
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રમાં ભારે ચર્ચા જગાવનારા રૂ.7.48 કરોડના બોગસ જીએસટી બિલિંગ કૌભાંડ કેસમાં રાજકોટની અદાલતે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. બેંકમાંથી લોન અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી તેના નામે બોગસ પેઢી ઊભી કરી કરોડો રૂપિયાના જીએસટી બિલો બનાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યાનો આરોપ હતો. જોકે, આરોપીઓએ બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હોય અથવા સરકાર સાથે છેતરપિંડી આચરી હોય તેવો કોઈ વિશ્વસનીય પુરાવો ફરિયાદપક્ષ અદાલત સમક્ષ રજૂ કરી શક્યો ન હતો. બચાવપક્ષની દલીલો અને પુરાવાઓના મૂલ્યાંકન બાદ અદાલતે બંનેને શંકાનો લાભ આપ્યો હતો.
આ કેસની શરૂઆત વર્ષ 2022માં થઈ હતી. ફરિયાદી ઉમેશ ચૌહાણને નાણાંની જરૂરિયાત હોવાથી કૌશિક મકવાણાએ બેંકમાંથી લોન અપાવી આપવાની ખાતરી આપી હતી અને તેની મુલાકાત મુખ્ય આરોપી રાહુલ બારૈયા સાથે કરાવી હતી. લોનની પ્રક્રિયા કરાવવાના બહાને રાહુલ બારૈયાએ ફરિયાદી પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો મેળવી લીધા હતા. ત્યારબાદ ફરિયાદીના આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેની જાણ બહાર રાજકોટમાં દુકાન ભાડે રાખી નોટરાઇઝ્ડ ભાડા કરાર તૈયાર કરાવવામાં આવ્યો હતો અને ‘ચૌહાણ ટ્રેડર્સ’ નામની પેઢીનું રજિસ્ટ્રેશન કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પેઢીના નામે જીએસટી નંબર મેળવવા તેમજ વ્યવહારો કરવા માટે અન્ય વ્યક્તિઓનાં આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરી નવ સીમકાર્ડ મેળવવામાં આવ્યાં હતાં. યશ બેંકમાં પેઢીના નામે ખાતું ખોલાવી તેની બેંક કીટ પણ મુખ્ય આરોપીએ પોતાની પાસે રાખી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ હતો. આ રીતે પેઢીના નામે રૂ.7,48,76,296ના બોગસ બિલો બનાવી તેનો અસલી તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રૂ.1,10,40,515ની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ મૂકાયો હતો.
આ મામલે વર્ષ 2025માં રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી. દરમિયાન મુખ્ય આરોપી રાહુલ બારૈયા સામે આ જ પ્રકારના ગુનાઓ સુરત અને પુણે ખાતે પણ નોંધાયેલા હોવાની વિગતો સામે આવી હતી.
અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન મુખ્ય આરોપી રાહુલ બારૈયા તરફથી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીએ અસરકારક બચાવ રજૂ કર્યો હતો. ફરિયાદી, પંચ સાક્ષીઓ, જીએસટી અધિકારીઓ, બેંક કર્મચારીઓ, નોટરી તેમજ તપાસ કરનારા પોલીસ અધિકારીઓની ઊલટતપાસ કરવામાં આવી હતી. બચાવપક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદપક્ષના સાક્ષીઓની જુબાનીમાંથી આરોપીઓ સામેના આક્ષેપો પુરવાર થતા નથી. જીએસટી રજિસ્ટ્રેશન, બેંક ખાતું ખોલવાની અને કેવાયસીની પ્રક્રિયા કાયદેસર રીતે થઈ હતી કે નહીં તે અંગે પણ તપાસ એજન્સી આરોપીઓની ગુનાહિત ભૂમિકા સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.
આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવ્યા, ખોટી સહીઓ કરી કે સરકારી તંત્ર સાથે છેતરપિંડી આચરી હોવાનો કોઈ નક્કર પુરાવો રેકર્ડ પર નથી. માત્ર દસ્તાવેજો અદાલતમાં રજૂ કરી દેવાથી તેમાં દર્શાવેલી વિગતો આપોઆપ સાબિત થઈ જતી નથી. દસ્તાવેજોની કાયદેસરતા અને તેમાં સમાવિષ્ટ વિગતોની વિશ્વસનીયતા પુરવાર કરવાની જવાબદારી ફરિયાદપક્ષની છે તેવી રજૂઆત સાથે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓના સિદ્ધાંતો પણ બચાવપક્ષે રજૂ કર્યા હતા.
અદાલતે બંને પક્ષોની દલીલો, સાક્ષીઓની જુબાનીઓ અને રેકર્ડ પરના પુરાવાઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરતાં નોંધ્યું હતું કે, કહેવાતા બોગસ બિલો ક્યાં અને કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા, કોની સાથે વ્યવહારો થયા અને સમગ્ર કથિત ગુનાહિત કાવતરામાં બંને આરોપીઓની ચોક્કસ ભૂમિકા શું હતી તે ફરિયાદપક્ષ સાબિત કરી શક્યો નથી. સરકારી અધિકારીઓ તથા બેંક કર્મચારીઓની જુબાનીઓમાંથી પણ આરોપીઓની ગુનામાં સીધી સંડોવણી ફલિત થતી ન હોવાનું અદાલતે નોંધ્યું હતું. આખરે આરોપીઓ વિરુદ્ધના આક્ષેપો શંકાથી પર સાબિત ન થતાં અદાલતે બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી રાહુલ બારૈયા વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા અને હીરલ નિમાવત રોકાયેલા હતા. જ્યારે સહઆરોપી કૌશિક મકવાણા તરફથી એડવોકેટ હિતેશ વિરડા, ભાવેશ બાંભવા અને પ્રકાશ ચાવડાએ બચાવની કામગીરી સંભાળી હતી.


