એરપોર્ટ રોડ પરથી 46.70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા
SOG પોલીસે ઓટો રિક્ષામાંથી રૂ.1.49 લાખનો મેફેડ્રોનનો જથ્થો પકડી પાડ્યો : રોકડ, રિક્ષા અને મોબાઇલ સહિત રૂ.3.10 લાખનો મુદ્દામાલ કબજે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં માદક પદાર્થોના કારોબાર સામે SOG પોલીસે વધુ એક કાર્યવાહી કરી એરપોર્ટ રોડ ફાટકથી આગળ જૈન દેરાસર રોડ પરથી MD ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઓટો રિક્ષામાં માદક પદાર્થ મેફેડ્રોન (MD ડ્રગ્સ)નો જથ્થો લઈ શખ્સો પસાર થવાના છે. જેના આધારે SOGની ટીમે જૈન દેરાસર રોડ પર વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી ઓટો રિક્ષા નંબર GJ-23-Z-6613 ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી. રિક્ષામાંથી રૂ.1,49,900ની કિંમતનો 46.70 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ ઉપરાંત રૂ.1,200ની રોકડ રકમ, ઓટો રિક્ષા અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.3,10,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે રિક્ષા ચલાવતા 34 વર્ષીય સાહિલ ઉર્ફે જાડાબાપુ શફીભાઈ કાદરી અને તેની સાથે રહેલા મજૂરી કામ કરતા રૂમીન ઉર્ફે રૂમલો મયુદ્દીનભાઈ જુણેજાની ધરપકડ કરી હતી. બંને શખ્સો પાસેથી મળી આવેલા MD ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


