ધાંગધ્રામાં ચુલી ગામ નજીક દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, રૂ.90.48 લાખનો મુદ્દામાલ કબજે
ચંડીગઢથી ભાણવડના બુટલેગર ભોળા શામળાએ મંગાવ્યો હતો 17304 બોટલ વિદેશી દારૂનો જથ્થો: રાજકોટ રેન્જની ટીમે ટ્રકચાલકને દબોચ્યો, બુટલેગર સહિત સાત શખ્સો વોન્ટેડ
અગ્ર ગુજરાત, રાજકોટ
દિવાળી અને નૂતનવર્ષના તહેવારો પૂર્વે દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્ત્વો સામે રાજકોટ રેન્જ પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમમાં આવેલી આશીર્વાદ હોટલ નજીકથી વિદેશી દારૂ ભરેલો ટાટા ટ્રક ઝડપી પાડી રૂ.90.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી મળી કુલ 17,304 બોટલો મળી આવી હતી. આ જથ્થો ચંડીગઢથી ભાણવડના બુટલેગર ભોળા શામળાએ મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ટ્રકચાલક અબ્બાસ હુસૈનભાઈ હિંગોરાને ઝડપી લીધો છે, જ્યારે ટ્રકમાલિક સહિત સાત શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી અંગેની વિગત મુજબ, રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા આગામી દિવાળી અને નૂતનવર્ષના તહેવારો દરમિયાન રાજકોટ રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્ત્વોને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ સહિતની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે દારૂની હેરાફેરી કરતા નેટવર્ક પર નજર રાખી હતી.
દરમિયાન પીએસઆઈ એસ.પી. ગોહિલ અને એ.વાય. ઉધાસ સહિતની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટાટા કંપનીનો ટ્રક નંબર GJ-25-U-6805માં અન્ય રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમદાવાદ-કચ્છ હાઇવે પરથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે રાજકોટ રેન્જની ટીમે ધાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમમાં આવેલી આશીર્વાદ હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક ત્યાંથી પસાર થતાં તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી.
ટ્રકની તપાસ દરમિયાન અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 17,304 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ.75,41,676 આંકવામાં આવી છે. ટ્રકમાં દારૂનો જથ્થો છુપાવવા માટે ઘાસના ભૂસાની બોરીઓનો આડશ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ટાટા ટ્રક, મોબાઇલ ફોન, ઘાસના ભૂસાની બોરીઓ તથા ટ્રકને લગતા કાગળો સહિત કુલ રૂ.90,48,176નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે ટ્રક ચલાવતા અબ્બાસ હુસૈનભાઈ હિંગોરા (રહે. ઢેબર, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા)ને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ભાણવડના બુટલેગર ભોળા શામળાએ મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત ટ્રકમાલિક રાજુ ખીમાભાઈ કોડીયાતર, જુસબ હાજીભાઈ હિંગોરા, ટ્રકની પાયલોટિંગ કરનાર આર્ટિગા કારનો ચાલક, મોબાઇલ ફોન મારફતે રૂટનું ડાયરેક્શન આપનાર શખ્સ, દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યો શખ્સ સહિતના લોકોની સંડોવણી સામે આવી છે.
પોલીસે ટ્રકમાલિક રાજુ ખીમાભાઈ કોડીયાતર, જુસબ હાજીભાઈ હિંગોરા, આર્ટિગા કારનો ચાલક, રૂટનું ડાયરેક્શન આપનાર શખ્સ, માલ મંગાવનાર ભોળાભાઈ શામળા તથા જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સ સહિત સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ચંડીગઢથી ગુજરાત સુધી દારૂનો જથ્થો કયા માર્ગે લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


