બાળકની દરેક સવાર પ્રેમ ભરી બનાવીએ
દિવાળી નજીક આવી રહી છે. દિવાળી નજીક આવે ત્યારે બાળકોને પણ શાળામાં વેકેશન પડી જતું હોય છે. કોઈપણ વેકેશન, પછી એ ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન. જ્યારે સ્કૂલ ફરી શરૂ થાય ત્યારે સ્કૂલે જવાનો બાળકને અનહદ કંટાળો આવતો હોય. વેકેશન દરમિયાન ભણતરથી દૂર ભલે ન રહ્યા હોય, ઘરે રિવિઝન કર્યું જ હોય, પરંતુ સ્કૂલે જવાનો સમય આવે એટલે ફરી પાછું વહેલું ઉઠવાનું આવે એટલે નાનું બાળક કંટાળો અનુભવે એવું બની શકે. બાળકનું કંટાળો દૂર કરી અને તાજા માજા કરી સ્કૂલે મોકલવાની દરેક માતા-પિતાની ઈચ્છા હોય જ છે. આ માટે માતા-પિતા તરીકે તમે બાળકની સવાર કઈ રીતે પડે છે એ ક્યારેય જોયું છે ખરું? બાળકને રાત્રિના સમયે સુતા પહેલા આપણે વ્હાલ કરીને સુવડાવીએ છીએ. એ જ રીતે બાળકની દરેક સવાર પ્રેમ ભરી સવાર હોવી જ જોઈએ.
સવારના સમયે દરેક માતા-પિતાને પોતાના બાળકને સમયસર સ્કૂલે પહોંચાડવાના હોય છે, સાથે બાળક ઘણું નાનું હોય તો તેની સ્કૂલબેગ પણ ભરવી પડે છે, બાળક માટે બનાવવાનો નાસ્તો, બાળકને નવડાવીને તૈયાર કરવાનું. આ બધો સમય સાચવતા સાચવતા સમય ચુકી ન જવાય એ કાળજી રાખવી. સવારે તો જાણે માતા પિતા સમય સાથે રેસ લગાવી રહ્યા હોય એવું લાગે છે.
છતાં પણ બાળકની દરેક સવાર માતા પિતાના પ્રેમથી, વ્હાલભર્યા શબ્દોથી જ શરુ કરો. ગમે તેટલું મોડુ કેમ નથી થતુ, સવારે બાળકને પ્રેમથી ઊઠાડવા બે ત્રણ મિનિટ કાઢી જ લો. કહે છે ને કે જેની સવાર સારી એનો દિવસ સારો. માતા-પિતા તરીકે, પેરેન્ટ્સ તમે પણ તમારા બાળકના દિવસની સરસ મજાની શરૂઆત કરો.
હવે બે ઘડી વિચારી જુઓ જોઈએ, કે તમે ખૂબ મીઠી નિંદ્રામાં પોઢી રહ્યા છો. અચાનક કોઈ કારણસર તમારે હડબડાટીમાં ઊઠવું પડે છે, તો એ સમયે તમારી માનસિક શારીરિક અવસ્થા શું હોય છે? હૃદયના ધબકારા અચાનક વધી ગયા હોય, મનમાં ડર લાગી ગયો હોય કે શું થયું! એ સમયે તમને ખબર પડે કે આ તો નોર્મલી ઊઠાડવાની પ્રક્રિયા હતી, તો તમે ચીડાઈ જાઓ છો, કે આ પરિસ્થિતિને હસતા હસતા સ્વીકારો છો? ચિડાઈ જ જવાય. સમજી શકાય એવી વસ્તુ છે. બાળક પણ આ જ વસ્તુ અનુભવે છે. સવારના સમયે તમે બાળકને વ્હાલથી ઊઠાડવાને બદલે હડબડાટી માં ઊઠાડો છો ત્યારે, તમારા બાળકની માનસિક અવસ્થા પણ ડર અને ગુસ્સા મિશ્રિત બની હોય છે.
પેરેન્ટ્સ દિવાળી આવી રહી છે, અને આપણે દિવાળી પછીના નવા વર્ષે કંઈક સંકલ્પ લેતા હોઈએ છીએ. તો આવો આ દિવાળીના તહેવારમાં, નવા વર્ષે આપણાં બાળક માટે આપણે સંકલ્પ લઈએ, કે હવે પછીની દરેક સવારે બાળકને પ્રેમથી, વ્હાલથી જ ઊઠાડીશું. માતા-પિતા સાથેની પ્રેમ ભરી સવારથી બાળકનું માતા-પિતા સાથેનું બોન્ડિંગ પણ મજબૂત બને છે.
પેરેન્ટ્સ, આ તો પેરેન્ટિંગના તબક્કાની, બાળકને સવારે ઉઠાડવાની વાત કરી. આધ્યાત્મિક રીતે જોઈએ તો પણ, બાળકને આ રીતે અચાનક થી ઊઠાડવુ અયોગ્ય છે. ઊઠવામાં બાળક આળસ પણ ન કરે, છતાં હસતા હસતા એની સવાર પડે, એ જવાબદારી સરસ રીતે નિભાવીએ પેરેન્ટ્સ.
Happy Diwali and Prosperous new year wishes to all.
ડો. ચારૂતા ગણાત્રા ઠકરાર
એમ.ડી. (હોમિયોપેથી)
કન્સલ્ટીંગ હોમિયોપેથ
રાજકોટ.


