તાલાલા રેન્જ આઈ.જીની ટીમે ધણેજમાંથી રૂ.14 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
ઉમરેઠીની વાડીમાં કટિંગ થતું હતું ત્યારે રેન્જ ડી.આઇ.જી ની ટીમ ત્રાટકી
અગ્ર ગુજરાત, તાલાલા (ગીર)
તાલાલા પોલીસ ઊંઘતી રહી અને રેન્જ આઇજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સ્કવોડે તાલાલા પંથકના બાકુલા ધણેજ ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થતું હતું ત્યારે માલ સગે વગે કરે તે પહેલાં બુટલેગરને ઝડપી લેતા તાલાલા પોલીસની સતર્કતા સામે સવાલો ઉભા થયા છે. તાલાલા પોલીસમાં નોંધાયેલ વિગત પ્રમાણે જુનાગઢ રેન્જ આઇજીની સ્ક્વોડ તાલાલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ દરમ્યાન તાલુકાનાં બાકુલા ધણેજ ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો આવ્યો હોવાની ખાનગી રાહે બાતમી મળતાં ડીઆઈજી ની સ્ક્વોડના પીઆઈ રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ માવદીયા, રામદેવસિંહ જાડેજા, કનકસિંહ કાગડા, પ્રવિણસિંહ સહિતના સ્ટાફે બાતમીના સ્થળ બાકુલા ધણેજ ગામના પીઠડ આઈ માતાજીના મંદિર નજીક ભરડિયા પાસે ધ્રાફાકાદા તરીકે ઓળખાતી સીમમાં ઉમરેઠી ગીર વાળા જયદીપભાઇ જેસાભાઇ જોટવાની વાડી ઉપર ત્રાટકી હતી.પોલીસ વાડી ઉપર પહોંચી ત્યારે સફેદ કલરની બોલેરો પીક અપ જી.જે.૨૩.એકસ.૮૨૪૬ માંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતરતો હતો.પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૬૮૨૮ બોટલ(દારૂ લિટર-૧૭૩૩) કિ.રૂ.૧૧ લાખ તથા વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ સફેદ કલરની બોલેરો કિ.રૂ.ત્રણ લાખ,એક મોબાઈલ મળી કુલ રૂ.14, 10, 318 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાડીના માલિક જયદીપભાઈ જોટવા ની પુછપરછ દરમ્યાન ઈંગ્લીશ દારૂનો જથ્થો ધણેજ ગામના રવિ કિશોરભાઈ વાઘેલા એ મંગાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.


