ભાજપ સરકારની નીતિઓ-જાહેરાત સામે કોંગ્રેસનું આંદોલન
ડબલ એન્જીન સરકારમાં ખેડૂત બિચારો-લાચાર બન્યો : અમિત ચાવડા
ખેડૂત અધિકાર આંદોલન અંતર્ગત રાજકોટમાં ધરણા : રાજય સરકારે જાહેર કરેલ પેકેજ સહાય સામે આકરા પ્રહાર : યોગ્ય વળતર અને દેવા માફી કરવા માંગણી
જગતાતના સમર્થનમાં લડી લેવાનું એલાન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના ખેડૂતોના હક અને અધિકારની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ‘ખેડૂત અધિકાર આંદોલન’ અંતર્ગત ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા,તેમજ સૌરાષ્ટ્ર ના આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ સરકારની ખેડૂત, ખેતી અને ગામડાં વિરોધી નીતિઓ સામે વિરોધ વ્યક્ત કરી ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા પહેલાં ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરવાનું વચન આપ્યું હતું. પરંતુ ખેડૂતોની આવક બમણી થવાને બદલે ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે. બિયારણ, ખાતર, ડીઝલ, વીજળી, મજૂરી અને સિંચાઈના ખર્ચમાં વધારો થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળતા નથી અને કુદરતી આફતોના કારણે થતું નુકસાન તેમની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું છે. કોંગ્રેસ પક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે ખેડૂતોની આવક બમણી કરવાના વચનનું શું થયું અને ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર ક્યારે મળશે?
એક તરફ કુદરતનો માર અને બીજી તરફ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે જગતનો તાત લાચાર અને આર્થિક સંકટમાં મુકાયો છે. ખેડૂતો દેશનું પેટ ભરે છે, પરંતુ આજે પોતાનું ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારની જવાબદારી માત્ર જાહેરાતો કરવાની નહીં, પરંતુ ખેડૂતોને વાસ્તવિક રાહત પહોંચાડવાની છે. ગુજરાતમાં વરસાદની અછત અને કુદરતી આફતોના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સહાયના ધોરણો અપૂરતા હોવાનો કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો હતો.
સરકાર માત્ર દુષ્કાળ જાહેર કરીને પોતાની જવાબદારી પૂર્ણ થયેલી માને તે યોગ્ય નથી. અસરગ્રસ્ત ખેડૂતોના નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન કરીને તેમને મહત્તમ અને સમયસર આર્થિક સહાય આપવામાં આવે તેવી અમારી માંગ છે.
આજનો ‘ખેડૂત અધિકાર આંદોલન’ અંતર્ગત ધરણા કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વોરાના સંયુક્ત આયોજન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી, AICC સેક્રેટરી ઋત્વિકભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ લલિતભાઈ કગથરા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, મહોમદ જાવેદ પીરઝાદા, લલિતભાઈ વસોયા પૂર્વ ધારાસભ્ય જેનીબેન ઠુમ્મર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો, શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસની મુખ્ય માંગણીઓ
- સંપૂર્ણ દુષ્કાળ જાહેર કરવામાં આવે:
- ખેડૂતોનાં દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે
- ખેતરોમાં વીજ થાંભલા અને લાઇનોના નુકસાનનું પૂરતું વળતર આપવામાં આવે:
- પાક વીમાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે:
- ખોટી જમીન માપણીઓ રદ કરવામાં આવે:
- સહાયનાં ધોરણોમાં વધારો કરીને વ્યવહારુ રાહત આપવામાં આવે:


