પ્રેમસંબંધ તૂટતાં પૂર્વ પ્રેમીનો બદલો: સગીરા પર દુષ્કર્મ આચરી ન્યૂડ વીડિયો વાયરલ કર્યો
ચાર વર્ષ પહેલાં પરિચય થયા બાદ સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર શારીરિક શોષણ કર્યું; વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી રાખ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉપલેટા પંથકમાં સગીરાના શારીરિક શોષણ અને સાયબર બ્લેકમેઇલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામના જ એક શખસે 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ મેળવી વીડિયો કોલ દરમિયાન તેના વાંધાજનક દૃશ્યોનું સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી લીધું હતું. જોકે, સગીરાએ સંબંધોનો અંત આણતાં ઉશ્કેરાયેલા પૂર્વ પ્રેમીએ બદલો લેવા સગીરાના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ન્યૂડ વીડિયો પોસ્ટ કરી દીધા હતા. સંબંધીઓ દ્વારા આ અંગે જાણ કરાતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પીડિતાની માતાની ફરિયાદના આધારે ઉપલેટા પોલીસે પોક્સો, દુષ્કર્મ અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ઉપલેટામાં રહેતી પરિણીતાની 17 વર્ષની પુત્રીનો આશરે ચાર વર્ષ પહેલાં ગામના જ એક શખસ સાથે પરિચય થયો હતો. શરૂઆતમાં બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઈ હતી અને ત્યારબાદ વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. ધીમે ધીમે આરોપીએ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. આ દરમિયાન આરોપી તેને પોતાની ઓફિસે બોલાવતો અને વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાનો આક્ષેપ છે.
પ્રેમસંબંધ દરમિયાન આરોપીએ સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ પણ મેળવી લીધો હતો. ત્યારબાદ વીડિયો કોલ દરમિયાન સગીરાના વાંધાજનક દૃશ્યોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. સમય જતાં સગીરાએ આરોપી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલા વીડિયોનો દુરુપયોગ કરી સગીરાના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ન્યૂડ વીડિયો પોસ્ટ કરી દીધા હતા. બીજી તરફ, સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાંધાજનક વીડિયો પોસ્ટ થયાની જાણ તેના સંબંધીઓને થતાં તેમણે તાત્કાલિક પરિવારને જાણ કરી હતી. માતાએ પુત્રીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં સગીરાએ પોતાની સાથે બનેલી સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ પરિવારજનોએ હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો હતો.
પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવતાં ઉપલેટા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો તથા આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


