દિવાળીના તહેવારોમાં પણ જસદણ ડેપોમાં પંખા બની ગયા શોભાના ગાંઠીયા
બપોરના સમયે પણ પંખા રખાય છે બંધ : મુસાફર હિતરક્ષક સમિતિની ડેપો મેનેજરને રજૂઆત બાદ તાબડતોબ ચાલુ કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રતાપભાઈ વાળા, પટેલ જયંતીભાઈ હિરપરાની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ હેઠળ આવતા જસદણ ડેપો નો વહીવટ લાંબા સમયથી ખાડે ગયો છે અનિયમિત બસો, ભંગાર અને ખખડધજ બસો અને મુસાફરોને પ્રાથમિક સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. ગઈકાલે બપોરના બે કલાકે જસદણ ડેપોના ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાં પંખા ચાલુ હતા. પરંતુ મુસાફરો ની જ્યાં બેઠક વ્યવસ્થા છે ત્યાં તમામ પંખાઓ બંધ હાલતમાં હતા. પંખાઓમાં પણ ધૂળ જામી ગઈ હોય શરૂ કરાતા નથી. 50% પંખા બંધ હોવાનું પણ જાણવા મળે છે. જે પંખાઓ સાફ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા તે ફરીથી લગાવવામાં આવ્યા નથી હાલ સવાર અને સાંજ ગુલાબી ઠંડી પડતી હોય ત્યારે પંખા ની આવશ્યકતા રહેતી નથી પરંતુ બપોરના સમયે બે થી ત્રણ કલાક પંખા શરૂ હોવા જોઈએ પરંતુ અહીં 24 કલાક પંખા બંધ રાખવામાં આવે છે. ઉનાળામાં પણ આ જ હાલત હોય છે. જસદણ ડેપોના પંખાઓ બની ગયા છે શોભાના ગાંઠિયા જેવા રાજ્યના તમામ ડેપોમાં મુસાફરો પર લગાવવામાં આવેલ પંખા શરૂ કરવાની કોઈ જવાબદારી સોંપાતી નથી. હાલ દિવાળી નો સમય હોય ત્યારે દરેક બસ સ્ટેશન ઉપર ચિક્કાર મેદની અને મુસાફરોની ભીડ હોય ત્યારે એસટી તંત્ર દ્વારા મુસાફરોને અપાતી સુવિધામાં બેદરકારી અને લાપરવાહી દાખવવામાં આવે છે.
જસદણ ડેપોના ટ્રાફિક કંટ્રોલર સાથે વાતચીત થઈ ત્યારે તેઓએ જણાવ્યું કે ઇલેક્ટ્રિસિટી માં આવે છે તે શરૂ કરતા નથી એકબીજા ઉપર ખો આપવામાં આવે છે. ચલક ચલાણુ પેલા ઘેર ભાણું. દરેક ડેપોમાં ટ્રાફિક કંટ્રોલરની જવાબદારી ફિક્સ થવી જોઈએ પોતાની ઓફિસના પંખા અને ડેપો મેનેજરની ઓફિસમાં પંખાઓ કોઈ કોઈની હાજરી ન હોવા છતાં પણ ચાલુ રાખવામાં આવે છે જ્યારે મુસાફરો ની બેઠક વ્યવસ્થા હોય ત્યાં પંખાઓ શરૂ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. આ બાબતની ગઈકાલે જસદણના મુસાફર સંજયભાઈ તરફથી ગજેન્દ્રસિંહ ઝાલા ને ફરિયાદ મળતા તેઓએ જસદણના ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીને પંખાઓ તાત્કાલિક શરૂ કરવા બાબતે અને જવાબદારી ફિક્સ કરવા, બપોરનો સમય હોય ત્યારે પંખા ચાલુ રાખવા રજૂઆત કરતાની સાથે પંખાઓ શરૂ કરવામાં આવ્યા હતા.


