પત્ની સાથે ઝઘડા બાદ લાગી આવતા યુવકે ઝેરી પ્રવાહી પી જીવન ટૂંકાવ્યું
લોઠડામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના 23 વર્ષીય યુવકના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ભાગોળે આવેલા લોઠડા ગામે પત્ની સાથે બોલાચાલી થયા બાદ એક યુવકે ઝેરી પ્રવાહી પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાયો છે. મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ લોઠડામાં હયાત પેટ્રોલ પંપ પાસે રહેતો જહરૂદ્દીન ઉર્ફે બબલુ સફીઉલ્લાહ ઉસ્માની (ઉં.વ.23)એ તા.15ના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં ઝેરી પ્રવાહી પી લીધું હતું.
યુવકની તબિયત લથડતાં તેને તાત્કાલિક 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે સારવાર કારગત ન નીવડતાં તેનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ, મૃતકને તેની પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બનાવ બાદ તેણે ઝેરી પ્રવાહી પી લેતાં અંતે તેનું મોત થયું હતું. મૃતકના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા અને તે કારખાનામાં ભઠ્ઠી ખાતામાં મજૂરીકામ કરતો હતો.


