શુક્રવારની વહેલી સવારે રકતરંજીત થતો હાઇ-વે
હાઇ-વે પર બે અકસ્માતમાં પિતા, પુત્ર-પુત્રી સહિત છના મોત
ધોરાજીથી સુરત જાન લઇને જતી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે ભરૂચ નજીક અકસ્માતમાં ડ્રાઇવર-કલીનરના મોત, 3પથી વધારે મુસાફરો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા
અમરેલીના દેવભૂમિ દેવળિયા ગામના પરિવારને સાવરકુંડલા પાસે ST બસે હડફેટે લેતા એક જ પરિવારના ત્રણ, ડ્રાઇવરનું મોત, મહિલાને ગંભીર ઇજા : એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી
અગ્ર ગુજરાત, રાજકોટ
ભરૂચના દેરોલ નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર આજે 20 નવેમ્બરે વહેલી સવારે આશરે 5:30 વાગ્યાની આસપાસ ધોરાજીથી સુરત જાન લઈને જતી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં લક્ઝરી બસના ચાલક નવીન દાના ભારાઈ અને ક્લીનર રમેશ ગોવિંદ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 49 લોકો ઘાયલ થયા છે.
બીજી તરફ અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર પણ અકસ્માતની ઘટના બની હતી. શેત્રુંજી નદીના પુલ નજીક મંદિર પાસે એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકો સહિત બસના ડ્રાઈવરનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે.
ભરૂચના દેરોલ નજીક અકસ્માત થતાં જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક મદદે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી આસપાસની 7થી 8 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. 108ની ઈ.એમ.ટી. અસ્મા મલેકના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી 6થી 7 વર્ષના નાના બાળકો સહિત 30થી 35 જેટલા મુસાફરને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં કુલ 49 ઘાયલને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 19 લોકોને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને સામાન્ય ઇજાઓ થઈ હોવાથી રજા આપવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે ભરૂચ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પાસે મંદિર નજીક અમરેલી તાલુકાનું દેવભૂમિ દેવળિયા ગામનો સોલંકી પરિવાર બાઈકમાં સાવરકુંડલા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સાવરકુંડલાથી અમરેલી તરફ જતી એસટી બસ સાથે અકસ્માત થયો હતો. જેમાં સોલંકી પરિવારના પિતા-પુત્ર અને પુત્રી એમ 3 લોકોના મોત થયા છે. જ્યારે માતાને ગંભીરઈજા પહોંચી છે. જ્યારે અકસ્માતમા એસટી બસના ચાલક મેહુલ દિલુ વાળાનું પણ મોત થયું છે.
અકસ્મતાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત ભાજપના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. અમરેલી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી અકસ્માતમાં મૃતકના નામ
ગોગન બટુકભાઈ સોલંકી, ઉંમર 37
ધૃતિ ગોગનભાઈ સોલંકી, ઉંમર 6 મહિના
નીતિન ગોગનભાઈ સોલંકી, 4 વર્ષ
મેહુલ દિલુભાઈ વાળા, ST ડ્રાઈવર


