મનપાના જનરલ બોર્ડ પૂર્વે અને અંદર ‘જંગલેશ્વર’ મુદ્દે મહાસંગ્રામ
ખર્ચકાંડનો રિપોર્ટ જાહેર કરવા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે ભારે તડાફડી
સાડા ચાર મહિના બાદ પણ ડિમોલિશન ખર્ચની તપાસનો રિપોર્ટ ન અપાતા ભ્રષ્ટાચારીઓને છાવરવાનો વિપક્ષ નેતા દીપ્તિબેન સોલંકીનો આક્ષેપ
પૂર્વ મેયર પ્રદીપ ડવના ક્રાઇમ રેટ અંગેના નિવેદન બાદ ગૃહમાં સામસામી બોલાચાલીથી અડધો કલાક સુધી ગરમાવો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા (મનપા)નું જનરલ બોર્ડ આજે જંગલેશ્વર ડિમોલિશન અને તેના ખર્ચકાંડના મુદ્દે ભારે તોફાની બન્યું હતું. બોર્ડની બેઠક શરૂ થાય તે પૂર્વે કોંગ્રેસ દ્વારા જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચની તપાસનો રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે ગૃહની અંદર પણ આ જ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો સામસામે આવી જતા ભારે તડાફડીના દ્રશ્યો સર્જાયા હતા.
જનરલ બોર્ડ પૂર્વે વિરોધ નોંધાવતા વિપક્ષ નેતા દીપ્તિબેન સોલંકીએ મ્યુનિસિપલ કમિશનર સહિત મનપાના સત્તાધીશો અને પદાધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જંગલેશ્વર ડિમોલિશનની કામગીરીને સાડા ચાર મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં સત્તાધીશો કોઈને કોઈ બહાને ખર્ચનો રિપોર્ટ આપવામાં વિલંબ કરી રહ્યા છે. જનતાને આશા હતી કે રિપોર્ટ જાહેર થશે, પરંતુ જ્યારે રિપોર્ટ રજૂ કરવાનો સમય આવ્યો ત્યારે કમિશનર રજા પર ઉતરી ગયા હતા. સમય લંબાવવાની આ નીતિ પરથી સ્પષ્ટ થાય છે કે સંડોવાયેલા અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસે આ તપાસ રિપોર્ટ વહેલી તકે જનતા સમક્ષ મૂકવાની માંગ કરી છે. જનરલ બોર્ડની શરૂઆતમાં થોડીવાર પ્રશ્નોત્તરી નિયમિત ચાલી હતી, પરંતુ વિપક્ષ નેતા દીપ્તિબેન સોલંકીનો ડિમોલિશન અંગેનો પ્રશ્ન આવતા જ ગૃહનું વાતાવરણ ગરમાયું હતું.
ચર્ચા દરમિયાન પૂર્વ મેયર પ્રદીપ ડવે જંગલેશ્વર વિસ્તારમાં ક્રાઇમ રેટ ખૂબ ઊંચો હોવાનું નિવેદન આપતા દીપ્તિબેન સોલંકી સહિત કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવી હોબાળો મચાવ્યો હતો.
કોંગ્રેસના સભ્યોએ આ ડિમોલિશન ભાજપના ઈશારે કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતા શાસક પક્ષ ભાજપના તમામ કોર્પોરેટરો ઉશ્કેરાઈને પોતાની બેઠક પરથી ઉભા થઈ ગયા હતા અને ડિમોલિશનની પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમ અનુસાર થઈ હોવાનો બચાવ કર્યો હતો. આ મુદ્દે બંને પક્ષના નગરસેવકો વચ્ચે 15 મિનિટથી વધુ સમય સામસામી બોલાચાલી ચાલી હતી અને અંદાજે અડધો કલાક સુધી ગૃહમાં ભારે તડાફડીનો માહોલ જોવા મળ્યો હતો.


