ધારાસભ્ય મુળુભાઈ બેરાના સહયોગથી ટીંબડી અને વેરાડ ગામે તળાવનું ખાતમુહૂર્ત
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચેકડેમ અને તળાવ નિર્માણના લોકઉપયોગી કાર્યનો શુભારંભ
અગ્ર ગુજરાત, રાજકોટ
જળસંચય અને જળસંગ્રહ ક્ષેત્રે રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરી રહેલી સંસ્થા ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ અને માનનીય ધારાસભ્ય મુળુભાઈ બેરાના સંયુક્ત ઉપક્રમે ભાણવડ તાલુકાના ટીંબડી અને વેરાડ ગામે નવા ચેકડેમ અને તળાવ બનાવવાના ભગીરથ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ લોકઉપયોગી અભિયાનથી ગ્રામ્ય વિસ્તારોની પાણીની સમસ્યા હલ થશે અને ખેડૂતોને સીધો ફાયદો થશે. આ તળાવો અને ચેકડેમોના નિર્માણથી આગામી ચોમાસા દરમિયાન નદી-નાળામાં વહી જતા કિંમતી વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં સંગ્રહ થઈ શકશે. જેના પરિણામે આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ટીંબડી તેમજ વેરાડ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી તેમજ ગ્રામજનોને પીવાના પાણીની સુવિધામાં મોટી રાહત મળશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના હોદ્દેદારો, બંને ગામના સરપંચશ્રીઓ, સ્થાનિક રાજકીય-સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી ગ્રામજનોને પણ જળબચાવ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ધારાસભ્યશ્રી મુળુભાઈ બેરાના સહકાર અને ગ્રામજનોના સાથથી આ સમગ્ર વિસ્તારને જળસમૃદ્ધ બનાવવાનો પ્રયાસ અવિરત આગળ ધપતો રહેશે.


