એક રામાયણ, અનેક અનુભૂતિઓ
ભારતીય સિનેમાના ઇતિહાસમાં રામાયણનું સ્થાન હંમેશાં વિશેષ રહ્યું છે. મૂંગી ફિલ્મોના યુગથી જ રામકથા પડદા પર રજૂ થતી આવી છે. દાદાસાહેબ ફાળકેની લંકાદહન જેવી ફિલ્મોએ પૌરાણિક કથાઓને ચલચિત્રના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી સીતાદેવી અને રામરાજ્ય જેવી ફિલ્મો દ્વારા રામકથાએ સિનેમામાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. સમય જતાં રંગીન ફિલ્મો આવી અને રામાયણનાં પાત્રો તથા પ્રસંગો વધુ ભવ્યતાથી પડદા પર જીવંત થવા લાગ્યા.
પરંતુ રામાયણને ઘરઘરમાં પહોંચાડવાનું ઐતિહાસિક કામ દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની રામાયણે કર્યું. ૧૯૮૭માં શરૂ થયેલી આ ધારાવાહિકે દેશના સામાજિક જીવનમાં એક અનોખું વાતાવરણ ઊભું કર્યું હતું. રવિવારે સવારે રસ્તાઓ સૂમસામ થઈ જતા, લોકો ટીવી સામે બેસી જતા અને જાણે આખો દેશ એકસાથે રામકથા જોતો હોય એવો માહોલ સર્જાતો. મને આજે પણ પુણેના રેલવે સ્ટેશન પાસેનો એક પ્રસંગ યાદ છે. રામાયણનો સમય થાય એટલે રિક્ષાઓ મળતી નહીં, કારણ કે રિક્ષાચાલકો પણ પોતાનું કામ છોડીને ધારાવાહિક જોવા જતા. એપિસોડ પૂરો થાય પછી જ ફરી રિક્ષાઓ રસ્તા પર દોડતી. મહાભારતના પ્રસારણ વખતે પણ આવો જ ઉત્સાહ જોવા મળતો હતો.
આપણે ત્યાં ધાર્મિક ફિલ્મોનો એક અલગ જ સમય રહ્યો છે. નિરૂપા રોય જેવી અભિનેત્રીઓએ અનેક ફિલ્મોમાં માતા, દેવી અને સીતાનાં પાત્રો ભજવ્યાં હતાં. જય સંતોષી મા જેવી ફિલ્મોએ પણ ભક્તિભાવથી દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચ્યા હતા. દક્ષિણ ભારતમાં રામાયણ આધારિત ફિલ્મો અને ધારાવાહિકો બનતી રહી, પરંતુ ભાષાની મર્યાદાને કારણે દેશના અન્ય ભાગોના દર્શકો સુધી તે હંમેશાં પહોંચી શકી નહીં. હવે નવી પેઢીના કલાકારો અને આધુનિક ટેક્નોલોજી સાથે રામકથાને ફરીથી મોટા પડદા પર રજૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ પહેલાં આવેલી આદિપુરુષ ફિલ્મે મને નિરાશ કરી હતી. ખાસ કરીને રાવણનું સ્વરૂપ અને તેની રજૂઆત મને રામાયણના પરિચિત રાવણ સાથે જોડવામાં નિષ્ફળ રહ્યાં હતાં. આદી પુરુષનો રાવણ મધ્ય એશિયામાંથી આવતાં આક્રાંતકાર જેવો હતો. જ્યારે મારા મનમાં રાવણ એક વિદ્વાન, શક્તિશાળી અને જટિલ વ્યક્તિત્વ ધરાવતો પાત્ર છે. આથી તે આદિપુરુષની રામાયણ સાથે કે તેના પાત્રો સાથે હું ભાવનાત્મક રીતે જોડાઈ શકી નહોતી. તેથી નવી રામાયણ ફિલ્મ વિશે જાણ્યું ત્યારે મનમાં ઉત્સુકતા તો હતી, પરંતુ સાથે એક પ્રશ્ન પણ હતો કે શું આ ફિલ્મ રામકથાની ઓળખ અને તેના પાત્રોની ગરિમા જાળવી શકશે?
પાંચમી નવેમ્બરે ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે જ મેં અને મી. મલકાણે તેને જોવાનું નક્કી કર્યું. કમ્યુનિટીમાં પણ એક સૂચના મૂકી કે અમે રામાયણ જોવા જઈ રહ્યા છીએ, જેને આવવું હોય તે પોતાનું નામ નોંધાવે. અમને અંદાજ નહોતો કે આટલો પ્રતિસાદ મળશે. પંદર જેટલા વડીલોએ નામ નોંધાવ્યાં. અમે સૌ માટે ટિકિટો લીધી અને પાંચ-છ કારમાં ગોઠવાઈને સાથે ફિલ્મ જોવા નીકળ્યાં. આ માત્ર ફિલ્મ જોવા જવાનો કાર્યક્રમ નહોતો, પરંતુ વડીલો સાથે સમય વિતાવવાનો અને તેમની એક ઇચ્છા પૂરી કરવાનો પ્રસંગ પણ બની ગયો.
ફિલ્મમાં રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણની ભૂમિકામાં છે. કલાકારોની મહેનત અને અભિનયને હું સ્વીકારું છું, છતાં દરેક કલાકારને તેના પાત્રમાં સ્વીકારી લેવો સહેલો નથી. રણબીરનો અભિનય સારો હોવા છતાં મારા મનમાં રામની જે છબી છે તેની સાથે તે સંપૂર્ણ રીતે જોડાઈ શક્યો નહીં. સાઈ પલ્લવીનો અભિનય અત્યંત પ્રભાવશાળી છે. સીતાના પાત્રમાં તેણે માત્ર કોમળતા નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને શક્તિ પણ વ્યક્ત કરી છે. તેની રજૂઆતમાં એક યોદ્ધા સ્ત્રીનું સ્વરૂપ જોવા મળે છે. બીજી તરફ યશનો રાવણ અત્યંત પ્રભાવશાળી છે. તેની હાજરી, વ્યક્તિત્વ અને અભિનય ફિલ્મ પૂરી થયા પછી પણ મનમાં રહી જાય છે.
ફિલ્મનાં કેટલાંક દૃશ્યો ખાસ નોંધવા જેવાં છે. તાડકા અને સુબાહુના પ્રસંગો દરમિયાનનું અરણ્ય હોય કે પંચવટીમાં ખર અને દૂષણ સાથે ચૌદ હજાર રાક્ષસોનું આક્રમણ, આ દૃશ્યોમાં વાલ્મીકિ રામાયણનાં વર્ણનોને દૃશ્યરૂપ આપવાનો પ્રયાસ દેખાય છે. વાંચતી વખતે કલ્પનામાં જે અરણ્ય, વાતાવરણ અને યુદ્ધનાં ચિત્રો ઊભાં થતાં હતાં, તે અહીં પડદા પર સાકાર થતાં જોવા મળે છે. મિથિલાના રાજપરિવાર અને ત્યાંની સંસ્કૃતિને પણ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. સીતા અયોધ્યામાં યુવતીઓને શસ્ત્રવિદ્યાની તાલીમ આપે છે અને સ્ત્રીઓને મધુબની ચિત્રકળા સાથે જોડે છે, એ પ્રસંગો મને ગમ્યા. આ રીતે સીતા માત્ર રાજકુમારી કે પત્ની તરીકે નહીં, પરંતુ પોતાની સંસ્કૃતિ અને કૌશલ્ય ધરાવતી સ્ત્રી તરીકે પણ સામે આવે છે.
જટાયુ અને રાવણ વચ્ચેનું યુદ્ધ તથા પુષ્પક વિમાનની કલ્પનાને આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ રજૂ કરવાનો પ્રયાસ પણ રસપ્રદ છે. જોકે, કેટલીક જગ્યાએ સર્જનાત્મક સ્વતંત્રતા લેતી વખતે મૂળ કથાની ભાવના અને પરંપરાગત વર્ણનનું ધ્યાન રાખવું જરૂરી છે. કૈલાસ પર્વતના પ્રસંગમાં રાવણ પર્વત ઉઠાવવાનો પ્રયાસ કરે છે અને ભગવાન શિવ પોતાના પગના અંગૂઠાથી પર્વત દબાવે છે, જેના કારણે રાવણનાં હાથ દબાઈ જાય છે. પીડામાંથી રાવણ શિવની સ્તુતિ કરે છે અને શિવતાંડવ સ્તોત્રની રચના સાથે આ પ્રસંગ જોડાય છે. આ પ્રસંગની રજૂઆતમાં મૂળ કથાના ભાવને વધુ સ્પષ્ટતા અને ગંભીરતા સાથે રજૂ કરવાની જરૂર હતી એવું મને લાગ્યું.
ફિલ્મનો સૌથી વિશેષ અને મારા માટે સૌથી યાદગાર પ્રસંગ છે ભગવાન પરશુરામ અને શ્રીરામની મુલાકાત. દશાવતારની પરંપરામાં પરશુરામ છઠ્ઠા અવતાર અને શ્રીરામ સાતમા અવતાર છે. વિષ્ણુના બે અવતારો એક જ કથાપ્રવાહમાં આમ સામસામે આવે તે અસાધારણ ઘટના છે. આ માત્ર બે મહાન પાત્રો વચ્ચેનો સંવાદ નથી, પરંતુ એક યુગની પૂર્ણતા અને બીજા યુગના પ્રારંભનું પ્રતીક છે. પરશુરામના કાર્યનો સમય પૂર્ણતાની નજીક છે અને રામની ભૂમિકા હવે શરૂ થવાની છે. જાણે એક દીવો બીજા દીવાને પ્રગટાવી રહ્યો હોય; પ્રકાશ એક જ છે, માત્ર તેને આગળ લઈ જનાર હાથ બદલાઈ રહ્યો છે.
આ પ્રસંગમાં પરશુરામનો ક્રોધ, તેમનું તેજ અને વ્યક્તિત્વ ખૂબ અસરકારક રીતે ઊભર્યાં છે. રણબીર કપૂરે પરશુરામના પાત્રમાં જે ઊર્જા અને દૃઢતા દર્શાવી છે તે મને ખાસ ગમી. ફિલ્મમાં આ એક એવો ક્ષણ છે જ્યાં પાત્રો કરતાં પણ વિશાળ અર્થ આપણી સામે ખુલતો જાય છે. અહીં અહંકારનો પ્રશ્ન નથી, પરંતુ સમય, ધર્મ અને અવતારકાર્યની પરંપરાનો સંક્રમણબિંદુ છે. એક યુગમાંથી બીજા યુગમાં પ્રવેશ થતો હોય એવી અનુભૂતિ થાય છે.
આટલી બધી સારી બાબતો હોવા છતાં ફિલ્મમાં કેટલીક ખામીઓ પણ જણાય છે. રામ અને ભરતના મિલનના પ્રસંગમાં ભાઈઓ વચ્ચેનો પ્રેમ અને ભાવનાત્મક ઊંડાણ વધુ અસરકારક રીતે વ્યક્ત થઈ શક્યાં હોત. મંથરા પ્રત્યે શત્રુઘ્નનો ક્રોધ અને કૈકેયી પ્રત્યે ભરતની વ્યથા પણ પૂરતી ઊભરી નથી. કૌશલ્યા અને સુમિત્રા જેવી મહત્ત્વપૂર્ણ માતાઓને વધુ સંવાદ અને વ્યક્તિત્વ મળવું જોઈતું હતું. દશરથના પુત્રેષ્ટિ યજ્ઞ પછી પ્રાપ્ત થયેલા પાયસના વિતરણનો પ્રસંગ પણ મહત્ત્વનો છે. કૌશલ્યા અને કૈકેયીને મળેલા ભાગમાંથી બંનેએ સુમિત્રાને પોતાનો અંશ આપ્યો અને તેમાંથી લક્ષ્મણ તથા શત્રુઘ્નનો જન્મ થયો, આ પ્રસંગ ચારેય ભાઈઓના સંબંધોની પૃષ્ઠભૂમિ સમજવામાં મદદ કરે છે. ફિલ્મમાં તેને વધુ ઊંડાણથી રજૂ કરી શકાયો હોત.
કેવટનો પ્રસંગ અંધકારમાં પસાર થઈ જાય છે, સુમંતનું પાત્ર પણ વધુ મહત્ત્વ માગે છે. જટાયુ અને દશરથ વચ્ચેની જૂની મિત્રતા, જટાયુનું વંશપરિચય અને તેનું સામર્થ્ય સમજાવાયું હોત તો તેનું બલિદાન વધુ હૃદયસ્પર્શી બનત. દશરથની ભૂમિકામાં અરુણ ગોવિલ સુંદર લાગે છે, પરંતુ તેમના પાત્રને વધુ વિસ્તૃત કરવાની તક હતી. આ બધું જોતી વખતે વારંવાર મનમાં વિચાર આવતો કે કાશ, અહીં રામ થોડી વાર રોકાઈ જાય અને કાશ, કથા થોડી બદલાઈ જાય! પરંતુ રામાયણની કથા તો પોતાની નિશ્ચિત ગતિએ જ આગળ વધવાની હતી.
ફિલ્મ જોયા પછી કમ્યુનિટીના વડીલોમાં ફરીથી જોવાની ઇચ્છા જાગી. કોઈને દૃશ્યો ફરી જોવા હતાં, કોઈને પરિવાર કે મિત્રોને સાથે લાવવા હતા. અમે તેમની ઇચ્છા પૂરી કરવા ફરી આયોજન કર્યું. આમ, પંદર દિવસના ટૂંકા ગાળામાં કમ્યુનિટીના સિનિયર સિટીઝન, જેઓ જાતે ડ્રાઇવિંગ કરી શકતા નથી, તેમની ઇચ્છા પૂરી કરવા મારે ચાર વાર રામાયણ જોવા જવાનું થયું. અલબત્ત, ત્રણ-ચાર વાર ફિલ્મ જોવાની મારી તૈયારી નહોતી, પણ વડીલોનો ઉત્સાહ જોઈને ના પણ પાડી શકી નહીં!
આ ચાર મુલાકાતોએ મને એક વાત ફરી સમજાવી કે રામાયણ માત્ર એક ધાર્મિક ગ્રંથ કે વારંવાર કહેવાતી કથા નથી. દરેક યુગ, દરેક વય અને દરેક વ્યક્તિ તેની અંદરથી પોતાની સમજ અને અનુભૂતિ શોધી શકે છે. કોઈને રામનું આદર્શ વ્યક્તિત્વ સ્પર્શે છે, કોઈને સીતાની શક્તિ, કોઈને હનુમાનની ભક્તિ તો કોઈને પરશુરામ અને રામની મુલાકાતમાં છુપાયેલો યુગપરિવર્તનનો સંદેશ. કદાચ એટલા માટે જ રામાયણ વારંવાર કહેવાય છે, વારંવાર ભજવાય છે અને વારંવાર જોવાય છે. કથા એક જ રહે છે, પરંતુ તેને જોતી આંખો અને અનુભવતું મન દર વખતે કંઈક નવું શોધી લે છે. મારા માટે આ ફિલ્મની સૌથી મોટી ઉપલબ્ધિ પણ એ જ રહી—એક રામાયણ, પરંતુ દરેક મુલાકાતે એક નવી અનુભૂતિ.


