પરિક્રમાનો અંતિમ દિવસ, ઇંટાવા ગેટ બંધ કરાયો
નવ લાખથી વધુ ભાવિકોએ પુણ્યનું ભાથુ બાંધ્યુ : જંગલમાં હજુ પણ ૫૦ હજારથી વધુ શ્રધ્ધાળુઓ રૂટ પર
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ ખાતે યોજાતી ઐતિહાસિક અને પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે. સમગ્ર પરિક્રમા રૂટ પર ‘જય ગિરનારી’ના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ, આજે સવારે 7 વાગ્યે લીલી પરિક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ઇંટવા ગેટને વિધિવત રીતે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે હવે નવા યાત્રાળુઓના પ્રવેશ પર રોક લાગી ગઈ છે.
અંતિમ દિવસે પણ પરિક્રમા કરવા માટે આવનારા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે 7 વાગ્યે ઇંટવા ગેટ બંધ કરવામાં આવે તે પહેલા જ અંદાજિત 2000 જેટલા ભાવિકો સમયસર પહોંચી ગયા હતા અને તેમણે પરિક્રમા રૂટ પર પ્રવેશ મેળવી લીધો હતો. વહીવટી તંત્ર દ્વારા સવારે 7 વાગ્યા પહેલા આવેલા તમામ પરિક્રમાર્થીઓને રૂટ પર પ્રવેશ આપવામાં આવ્યો હતો.
હાલ પરિક્રમા રૂટ પર અંદાજિત 25 હજારથી લઈને 59 હજાર જેટલા ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે. વહીવટી તંત્ર અને વન વિભાગની દેખરેખ હેઠળ આ તમામ યાત્રાળુઓ પોતાની પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે અને આજ સાંજ સુધીમાં આ તમામ ભાવિકો જંગલ વિસ્તારની બહાર નીકળી જશે. ત્યારબાદ પરિક્રમાની સંપૂર્ણ પૂર્ણાહુતિ થશે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી. જેના કારણે ચાલુ સાલે શ્રદ્ધાળુઓમાં પરિક્રમાને લઈને ભારે થનગનાટ જોવા મળ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, ચાલુ વર્ષે અંદાજિત 8 થી 9 લાખ જેટલા ભાવિકોએ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી છે.


