ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી અને ચેટીચાંદની રજામાં ફેરફાર
ધૂળેટીની રજા હવે તા.૨૨ના બદલે ૨3 માર્ચ અને ચેટી ચાંદની તા.૮ના બદલે ૯ એપ્રિલે રહેશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન શાળાઓની જાહેર રજાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી અને ચેટીચાંદની રજાઓની નવી તારીખો જાહેર કરતું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ફેરફાર બાદ રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ નવી તારીખો મુજબ રજાઓ રાખવાની રહેશે.
બોર્ડના જાહેરનામા મુજબ, શૈક્ષણિક વર્ષ 2026-27માં ધૂળેટીનીજાહેર રજા અગાઉ 22 માર્ચ, 2027ના રોજ નક્કી કરવામાં આવી હતી. જોકે, હવે આ તારીખમાં ફેરફાર કરીને રજા 23 માર્ચ, 2027ના રોજ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચેટીચાંદના તહેવારની જાહેર રજાની તારીખમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ રજા 8 એપ્રિલ, 2027ના રોજ રાખવામાં આવી હતી. હવે નવા જાહેરનામા મુજબ ચેટીચાંદની રજા 9 એપ્રિલ, 2027ના રોજ રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો અને આચાર્યોને રજાઓની સુધારેલી તારીખોનો ચુસ્તપણે અમલ કરવા સૂચના આપી છે. આથી શૈક્ષણિક વર્ષ 2026-27માં ધૂળેટી અને ચેટીચાંદની રજાઓ હવે જાહેર કરાયેલી નવી તારીખો પ્રમાણે રહેશે.


