કોવાયામાં અલ્ટ્રાટેક કંપનીના યાર્ડમાં ધાડનો ભેદ ઉકેલાયો : ૬ આરોપી ઝડપાયા
સિક્યુરિટી ગાર્ડને માર મારી છરીની અણીએ બંધક બનાવ્યા હતા; ₹૧.૨૭ લાખના ૩૦૫ મીટર કોપર કેબલની લૂંટ ચલાવી હતી
મરીન પીપાવાવ પોલીસે ટ્રેક્ટર-ટ્રોલી, રેનોલ્ટ ડસ્ટર કાર, ૨ બાઇક અને ૬ મોબાઇલ સહિત કુલ ₹૧૧,૨૪,૮૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા તાલુકાના કોવાયા ગામે આવેલી અલ્ટ્રાટેક કંપનીના ‘ત્રિપુટી-ટુ’ યાર્ડમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને ચલાવવામાં આવેલી ધાડનો ભેદ મરીન પીપાવાવ પોલીસે ઉકેલી નાખ્યો છે. ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી પોલીસે આ ગંભીર ગુનામાં સંડોવાયેલા ૬ આરોપીઓને દબોચી લઈ તેમની પાસેથી કુલ ₹૧૧,૨૪,૮૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજુલા ડિવિઝનના DYSP નયના ગોરડીયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
ગત તા. ૦૯/૧૧/૨૦૨૬ ના રોજ કોવાયા ગામ સ્થિત અલ્ટ્રાટેક કંપનીના ‘ત્રિપુટી-ટુ’ યાર્ડમાં સિક્યુરિટી ગાર્ડ ફરજ પર હતા, ત્યારે બુકાનીધારી શખ્સોએ પૂર્વઆયોજિત કાવતરું રચી યાર્ડની દિવાલ પરની ફેન્સિંગ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ CCTV કેમેરા કપડા વડે ઢાંકી દીધા હતા અને ગાર્ડને ઢીકાપાટુનો માર મારી બળજબરીથી દિવાલ કૂદાવી બહાર કાઢ્યા હતા. બહાર ઉભેલા અન્ય સાગરીતોએ ગાર્ડને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બેસાડી રાખ્યા હતા અને યાર્ડમાંથી રૂ. ૧,૨૭,૮૫૬ ની કિંમતનો ૩૦૫ મીટર કોપર કેબલ વાયર કાપીને લૂંટી લીધો હતો. તેમજ ગાર્ડ પાસેની ટોર્ચ અને વ્હીસલ પણ લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના PI વી.કે. રાઠોડના માર્ગદર્શનમાં અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અમરૂ દુલાભાઈ લાખણોત્રા (ઉં.વ. ૨૪, રહે. રામપરા-૨), નિઝામ રસુલભાઈ ઉન્નડ (ઉં.વ. ૨૯, રહે. લોઠપુર), હનીફ જુમાભાઈ દલ (ઉં.વ. ૩૯, રહે. લોઠપુર), દુલાભાઈ કથડભાઈ લાખણોત્રા (ઉં.વ. ૩૯, રહે. કોવાયા), નિઝામ હબીબભાઈ પરમાર (ઉં.વ. ૩૪, રહે. બારપટોળી), મજીદ ઉર્ફે કાળુ નનુભાઈ કુરેશી (ઉં.વ. ૪૨, રહે. બારપટોળી)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર અને ટ્રોલી (કિં.રૂ. ૬,૦૦,૦૦૦), રેનોલ્ટ ડસ્ટર કાર (કિં.રૂ. ૪,૦૦,૦૦૦), ૬ મોબાઇલ ફોન (કિં.રૂ. ૭૮,૫૦૦), ૨ મોટરસાયકલ (કિં.રૂ. ૪૫,૦૦૦) તેમજ કેબલ કટર, છરી, બુકાની, ચાદર, લૂંટાયેલી ટોર્ચ અને વ્હીસલ (કિં.રૂ. ૧,૩૧૦) મળી કુલ રૂ. ૧૧,૨૪,૮૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરીમાં મરીન પીપાવાવ PI વી.કે. રાઠોડ, PSI વી.વી. ગોહિલ સહિત સ્ટાફના એચ.એલ. રાઠોડ, હરપાલસિંહ ગોહિલ, અનકભાઈ ભુકણ, બી.એલ. ગોહિલ, આઈ.પી. ગોહિલ, મહેશભાઈ હિમાશિયા, નવિનભાઈ બારૈયા અને અશોકભાઈ સાગઠીયા જોડાયા હતા.


