જાફરાબાદમાં ઇનોવા કાર નીચે ઘૂસી ગયેલા બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
પુરપાટ ઝડપે આવતું ટુ-વ્હીલર કાર નીચે ઢસડાયું, સ્થાનિક લોકોએ કાર ઊંચી કરીને યુવકને બહાર કાઢ્યો
મૃતક યુવકની ઓળખ રાહુલ નયનભાઈ બારૈયા તરીકે થઈ; અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં રાત્રિના સમયે બાઇક અને ઇનોવા કાર વચ્ચે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, રાત્રિના સમયે પુરપાટ ઝડપે આવી રહેલું બાઇક અચાનક ઇનોવા કારની નીચે ઘૂસી ગયું હતું, જેના કારણે બાઇકચાલક યુવક કારની નીચે આગળ સુધી ઢસડાયો હતો. અકસ્માત બાદ કારચાલકે વાહન થોભાવતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવી ઇનોવા કારને ઊંચી કરીને નીચે ફસાયેલા ગંભીર ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે યુવક રાહુલ નયનભાઈ બારૈયાનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
અકસ્માતની જાણ થતાં જ જાફરાબાદ ટાઉન પોલીસ અને મરીન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે જાફરાબાદ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


