સીનીયર સીટીઝન ઓફ મીઠાપુરીયન ગ્રુપનું સ્નેહમિલન યોજાયું
રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરથી ૧૦૫ સભ્યો ઉત્સાહભેર જોડાયા : કરાઓકે, તંબોલા અને ગરબાની રમઝટથી સાંજ બની યાદગાર
અગ્ર ગુજરાત, રાજકોટ
“મા કહેતાં મોઢું ભરાય”, એવી જ અતૂટ લાગણી વતન ‘મીઠાપુર’નું નામ સાંભળતાં જ દરેક મીઠાપુરવાસીના હૃદયમાં ઉમટી આવે છે. વતનથી દૂર રહીને પણ પોતાની માટીની સુગંધ અને આત્મીયતાને જીવંત રાખવાના ઉમદા હેતુથી ‘સીનીયર સીટીઝન ઓફ મીઠાપુરીયન, રાજકોટ’ દ્વારા તા. ૨૨/૧૧/૨૦૨૬ ના રોજ જામનગર હાઇવે સ્થિત સૂર્યકાન્ત રેસ્ટોરન્ટ ખાતે દિવાળી સ્નેહમિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૧૦૫ જેટલા સભ્યોની વિશાળ હાજરીથી રાજકોટમાં જાણે ‘મીની મીઠાપુર’ ખડું થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ઘણાં વર્ષો પૂર્વે રાજકોટમાં સ્થાયી થયેલા પરેશભાઈ ગોસાઈ અને વિનોદભાઈ ગાંધી દ્વારા શરૂ કરાયેલું આ મીઠાપુર ગ્રુપ આજે પથુભા જાડેજા, દિનેશભાઈ કક્કડ, દિનેશભાઈ શુક્લ, ધીરજભાઈ વાછાણી, દીપુભાઇ ચોકસી, કમલેશભાઈ પારેખ, વિનોદભાઈ ચંદારાણા અને કે. કે. સોની સહિતના મિત્રોના સક્રિય સહકારથી વટવૃક્ષ બની રહ્યું છે. આ સ્નેહમિલનમાં માત્ર રાજકોટ જ નહીં, પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર જેવા શહેરોમાંથી પણ જૂના મિત્રો અને પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં ૮૫ વર્ષીય સવસાણી સાહેબ અને ૯૫ વર્ષીય ડૉ.દોશીની વિશેષ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને અનોખું ગૌરવ બક્ષ્યું હતું.
સમગ્ર સાંજને યાદગાર બનાવવા માટે વિવિધ મનોરંજક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારજનોના આત્મીય પરિચય બાદ ‘તંબોલા’ની રમતે સૌને ઉત્સાહિત કર્યા હતા. સ્વાદિષ્ટ ડિનર અને આઈસ્ક્રીમની જયાફત સાથે ‘કરાઓકે સિંગિંગ’માં જૂના ગીતોની સુરાવલી રેલાઈ હતી. કાર્યક્રમના અંતે સૌ સભ્યોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી, જેનાથી વાતાવરણ આનંદમય બની ગયું હતું. આ અવિસ્મરણીય અને સફળ આયોજન બદલ તમામ આયોજકો અને સહભાગી મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


