રાજકોટ રેન્જ પોલીસની ત્રણ દિવસની નાર્કોટિક્સ ડ્રાઇવમાં 6 કેસ, 7 આરોપી ઝડપાયા
519 શખ્સોની તપાસ દરમિયાન રૂ.14.32 લાખનો નશીલો જથ્થો અને મુદ્દામાલ કબજે : જામનગરમાં ગાંજો-એમ.ડી. પાવડર તો સુરેન્દ્રનગરમાં લીલા ગાંજાના છોડ ઝડપાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ રેન્જ પોલીસ દ્વારા નશીલા માદક પદાર્થોના ગેરકાયદે વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે ત્રણ દિવસની વિશેષ NDPS ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રેન્જના ડીઆઇજી નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશમાં પોલીસે કુલ 519 શંકાસ્પદ શખ્સોની તપાસ કરી છ સફળ કેસ શોધી કાઢ્યા હતા. જેમાં સાત આરોપીઓની ધરપકડ કરી ગાંજો, એમ.ડી. પાવડર અને લીલા ગાંજાના છોડ સહિત કુલ રૂ.14,32,220નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
રેન્જના તમામ જિલ્લાઓમાં LCB, SOG, ANW (એન્ટી નાર્કોટિક્સ વિંગ) અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી શંકાસ્પદ સ્થળો અને વ્યક્તિઓ પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 156 શખ્સોની તપાસ કરીને એક કેસ નોંધાયો હતો, જેમાંથી 402 ગ્રામ ગાંજો કિંમત રૂ.20,100નો કબજે કરાયો હતો.
જામનગર જિલ્લામાં સૌથી વધુ બે કેસ મળી આવ્યા હતા. પોલીસે 238 શખ્સોની તપાસ દરમિયાન 4 કિલો 725 ગ્રામ ગાંજો કિંમત રૂ.2,36,250 અને 4.19 ગ્રામ એમ.ડી. પાવડર કિંમત રૂ.41,900 કબજે કર્યો હતો.
બીજી તરફ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 35 શખ્સોની તપાસ કરવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 90 શખ્સોની તપાસ દરમિયાન ત્રણ કેસ મળી આવ્યા હતા. જેમાં 9 લીલા ગાંજાના છોડ, જેનું કુલ વજન 12 કિલો 16 ગ્રામ અને કિંમત રૂ.6.08 લાખ થતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આમ, ચાર જિલ્લાઓમાં હાથ ધરાયેલી ત્રણ દિવસની વિશેષ ડ્રાઇવમાં કુલ 519 શખ્સોની તપાસ કરી છ NDPS કેસ નોંધવામાં આવ્યા હતા અને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.14,32,220નો મુદ્દામાલ કબજે કરી સંબંધિત પોલીસ મથકોમાં ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવા પેઢીને નશાના દુષણથી દૂર રાખવા અને માદક પદાર્થોના ગેરકાયદે નેટવર્કને તોડી પાડવા આવી વિશેષ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ રાજકોટ રેન્જ પોલીસ દ્વારા જણાવાયું છે.


