ઉનાના ચર્ચાસ્પદ લાંચ કેસમાં મોટો વળાંક: ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ધીરુભાઈ બાંભણિયાને જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરવાનો કોર્ટનો આદેશ
ACB સમક્ષ હાજર થયા બાદ એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ઉના સેશન્સ કોર્ટમાં કરાયા રજૂ; કેસમાં ધરપકડનો આંકડો બે પર પહોંચ્યો
અગ્ર ગુજરાત, ઉના
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભારે ચકચાર જગાવનાર લાંચ પ્રકરણમાં આજે એક મહત્ત્વપૂર્ણ કાનૂની ઘટનાક્રમ સામે આવ્યો છે. એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આ કેસના મુખ્ય આરોપી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ધીરુભાઈ બાંભણિયાને ઉનાની નામદાર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સાથે જ ઉનાના આ લાંચ કેસમાં ધરપકડનો આંકડો બે પર પહોંચ્યો છે.
સમગ્ર કેસની વિગત મુજબ, ગીર સોમનાથ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ મુખ્ય આરોપી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ધીરુભાઈ બાંભણિયા ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ગત ૨૪ નવેમ્બરના રોજ તેઓ સામેથી ACB સમક્ષ હાજર થયા હતા. ૨૫ નવેમ્બરના રોજ ACB દ્વારા વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગણી સાથે તેમને ઉના કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
૨૬ નવેમ્બરના રોજ એક દિવસના રિમાન્ડની મુદત પૂર્ણ થતાં ACBની ટીમ દ્વારા ધીરુભાઈ બાંભણિયાને ફરીથી ઉનાની સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં બંને પક્ષોની દલીલો અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ નામદાર કોર્ટે આરોપીને જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
એક તરફ આગામી દિવસોમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટ જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે આ હાઈ-પ્રોફાઈલ લાંચ કેસના મુખ્ય આરોપી તહેવારોની ઉજવણી જેલના સળિયા પાછળ કરશે કે જામીન પર બહાર આવશે, તે અંગે સ્થાનિક સ્તરે ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ, ઉનાના આ ચર્ચાસ્પદ લાંચ કેસમાં ACBની આગામી તપાસ કઈ દિશામાં આગળ વધશે અને તેમાં વધુ કયા ચોંકાવનારા ખુલાસા સામે આવશે, તેના પર સૌની નજર મંડરાયેલી છે.


