સરકારી હોસ્પિટલમાં પતિને સારવાર ન મળ્યાના આક્રોશમાં પત્નીએ પીધી ઝેરી દવા
મુખ્ય વેન શોધવા નાખેલો તાર બેદરકારીના કારણે અંદર ફસાયો ; ત્રણ દિવસથી યોગ્ય સારવાર નહીં મળતી હોવાની ફરિયાદ વચ્ચે ડોક્ટરો અને સગાઓ સામસામે આવી ગયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ગંભીર બેદરકારીના આક્ષેપ વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિની સારવારમાં હોસ્પિટલ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાની અને વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતું હોવાની ફરિયાદથી કંટાળીને દર્દીની પત્નીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ પતિ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હોવાનો પરિવારનો દાવો છે, તો બીજી તરફ પત્નીએ પણ આવું પગલું ભરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
સમગ્ર વિવાદના મૂળમાં દિલીપભાઈ બારોટની સર્જરી દરમિયાન છાતીના ભાગમાં લોખંડનો તાર રહી ગયો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર ગાંઠના ઓપરેશન બાદ ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ છાતીમાં તાર રહી ગયો હોવાની બાબત સામે આવ્યા પછી પણ તબીબો દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવી નથી. 20 નવેમ્બરે ઓપરેશન માટે દાખલ કરાયેલા દિલીપભાઈને ત્રણ દિવસથી યોગ્ય સારવાર ન મળતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પરિવારજનોના કહેવા મુજબ ઓપરેશન બાદ તપાસ કરતાં છાતીમાં તાર અંદર વીંટળાયેલો હોવાની અને તેમાં કાટ લાગતો હોવાની બાબત ધ્યાને આવી હતી. આ અંગે તબીબો સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં સંતોષકારક જવાબ કે સારવાર નહીં મળતાં પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો.
આ સમગ્ર મામલે ડોક્ટર અને દર્દીના પરિવારજનો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી પરિવારજનો તાત્કાલિક સારવાર શરૂ કરવાની માગણી કરતા જોવા મળે છે. દર્દી ભાન ગુમાવી રહ્યા હોવાની રજૂઆત વચ્ચે બાટલો ચડાવવા અને અન્ય સારવાર માટે જરૂરી સહી-લખાણની પ્રક્રિયાને લઈને વિવાદ સર્જાયો હતો. ડોક્ટર દ્વારા સારવાર ચાલુ હોવાનું અને એનેસ્થેસિયાના તબીબની સૂચના મુજબ જરૂરી નોંધ ફાઇલમાં હોવાનું જણાવાયું હતું. આ નોંધનો ફોટો પાડી લેવા પણ કહેવામાં આવ્યું હતું. જોકે, સામે પક્ષે પરિવારજનોએ દર્દીની હાલત ગંભીર હોવા છતાં કાગળની પ્રક્રિયાને પ્રાધાન્ય અપાતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
બોલાચાલી દરમિયાન મહિલા પરિવારજનોએ ડોક્ટરો સામે આક્રોશ વ્યક્ત કરતાં માણસાઈના અભાવનો આક્ષેપ કર્યો હતો અને ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરે પણ શાંતિથી ફરિયાદ કરવાની સંમતિ દર્શાવી હતી. અંતે દર્દીના સગાએ દર્દીને કંઈ થઈ જશે તો પોતે હોસ્પિટલમાંથી હટશે નહીં તેવી ચેતવણી આપતાં વાતાવરણ તંગ બન્યું હતું.
દિલીપભાઈના પુત્ર સંજય બારોટે જણાવ્યું હતું કે, પિતાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારથી યોગ્ય સારવાર મળી નથી. પિતાની છાતીમાં તાર વીંટળાયેલો છે અને બહાર દેખાય છે, તેમ છતાં તબીબો દ્વારા ગંભીરતાથી સારવાર કરવામાં આવતી નથી. ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં જવાબદાર ડોક્ટરો તરફથી સ્પષ્ટ જવાબ મળતો નથી. કેટલાક તબીબો આવ્યા બાદ જતા રહ્યા છે, જ્યારે દર્દીને અહીંથી લઈ જવા માટે પણ કહેવામાં આવે છે.
સંજયના જણાવ્યા મુજબ આ મામલે પોલીસ સમક્ષ પણ ફરિયાદ કરવા જતાં અરજી લખાવવામાં આવી હતી. ત્યારબાદ થયેલી ઘટનાઓ અને પિતાની સતત બગડતી સ્થિતિ વચ્ચે માતા જ્યોત્સનાબેન બારોટે ઝેરી દવા પી લેતાં પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે.
જ્યોત્સનાબેનના ભાઈ જગદીશભાઈએ પણ સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે દિલીપભાઈને ગાંઠના ઓપરેશન માટે ઇમરજન્સીમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને 20 નવેમ્બરે ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. સર્જરી દરમિયાન છાતીમાં લોખંડનો તાર રહી ગયો હોવાનો તેમનો આક્ષેપ છે. બીજા દિવસે તપાસ કરતાં તાર અંદર વીંટળાયેલો હોવાની અને તેમાં કાટ લાગવા લાગ્યો હોવાની બાબત સામે આવી હતી. તેમ છતાં યોગ્ય સારવાર માટે પરિવારને દોડધામ કરવી પડી રહી છે.
26 નવેમ્બરે આ મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. કમલ ડોડિયાને સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે દર્દીના સગાઓ આ પ્રકારની વાત કરતા હોવાનું જણાવી સમગ્ર બાબત તપાસનો વિષય હોવાનું કહ્યું હતું. દર્દીના સગાને પ્રાથમિક સારવાર આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. જોકે, પરિવારજનોનો આક્ષેપ છે કે ઓપરેશનમાં કયા તબીબે જવાબદારી સંભાળી હતી તે અંગે પણ અધિક્ષક સ્પષ્ટ માહિતી આપી શક્યા નહોતા.
બીજી તરફ જ્યોત્સનાબેને ઝેરી દવા પીધી હોવાની ઘટના બાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અધિક્ષક કે RMO તરફથી ફોનનો જવાબ નહીં મળ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. દર્દીની સારવાર અંગે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો અને હવે દર્દીની પત્નીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ આ સમગ્ર મામલે પરિવાર દ્વારા તબીબોની બેદરકારીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે, ઓપરેશન દરમિયાન ખરેખર શું બન્યું, છાતીમાં તાર કેવી રીતે રહ્યો અને ત્યારબાદ સારવારમાં વિલંબ થયો કે કેમ તે અંગે તટસ્થ તપાસ થાય તે જરૂરી બન્યું છે. એક જ પરિવારના બે સભ્યોની જિંદગી જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાતાં સિવિલ તંત્રની જવાબદારી અને દર્દીઓને મળતી સારવારની ગુણવત્તા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.


