જૈન ભોજનાલય દ્વારા શુદ્ધ ઘીના કેસર-ડ્રાયફ્રૂટ અડદિયાનું વિતરણ શરૂ
જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના દરેક વર્ગ માટે માત્ર ₹૩૦૦માં ૫૦૦ ગ્રામ અડદિયા ઉપલબ્ધ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા જૈન ભોજનાલય દ્વારા શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને શુદ્ધ ઘીના કેસર-ડ્રાયફ્રૂટ અડદિયાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચાડવાના શુભ આશય સાથે, જ્ઞાતિ-જાતિના ભેદભાવથી પર રહીને દરેક વ્યક્તિ આ અડદિયાનો લાભ લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ અડદિયા સંપૂર્ણ સાત્વિકતા અને જૈન જયણાની પૂરતી કાળજી સાથે શુદ્ધ ઘી, કેસર અને ડ્રાયફ્રૂટમાંથી તૈયાર કરવામાં આવે છે. ૫૦૦ ગ્રામ અડદિયાનો નકરો માત્ર ₹૩૦૦ રાખવામાં આવ્યો છે. દરેક જ્ઞાતિના લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે રૂબરૂ ડિપોઝિટ આપીને બુકિંગ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
જૈન ભોજનાલય દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન ૬,૧૦,૦૦૦થી વધુ સાધર્મિકો તેમજ અન્ય જ્ઞાતિના જરૂરિયાતમંદ વ્યક્તિઓને બપોરે અને સાંજે શુદ્ધ સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું છે. સેવાનો સંકલ્પ, સાત્વિકતાનો સ્વાદ અને સમરસતાનો સંદેશ આપતી આ સંસ્થા દ્વારા શિયાળામાં પૌષ્ટિક અડદિયાના વિતરણથી શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અડદિયાના બુકિંગ અને વધુ માહિતી માટે જૈન ભોજનાલય, લીમડા ચોકની બાજુમાં, હોટલ જયસનની સામે, રાજકોટ ખાતે સવારે ૯:૦૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી અથવા મો.નં. ૯૩૨૩૭ ૭૭૭૦૯ ઉપર સંપર્ક કરી શકાશે.


