ડ્રેનેજ કુંડીના અકસ્માતમાં મહિલાના મોત બાદ રઘુવંશી સમાજ મેદાને; એક વર્ષના માસુમ બાળકના હસ્તે મનપાને આવેદનપત્ર
ત્રિકોણબાગથી મનપા કચેરી સુધી રેલી અને ભારે આક્રોશ; તંત્ર દ્વારા પવન કન્સ્ટ્રક્શન અને એસ.આર.ડી. એજન્સીને શોકોઝ નોટિસ
અગ્ર ગુજરાત, રાજકોટ
તા. ૬ સપ્ટેમ્બરના રોજ ઘંટેશ્વર વિસ્તારના ડી.પી. રોડ પર ગ્રીન લીફ ગાર્ડનના ગેટ નજીક ડામર રોડની બાજુમાં ભૂગર્ભગટરની કોંક્રિટની કુંડી (ડ્રેનેજ ચેમ્બર) રોડના લેવલથી ઊંચી છોડી દેવાયેલી હતી, જેની સાથે ટુ-વ્હીલર અથડાતા મિતાલીબેન કેસરિયાને ગંભીર ઈજા થઈ હતી અને હેમરેજને કારણે અઢી માસની સારવાર બાદ કરુણ મૃત્યુ નીપજતા રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં રઘુવંશી સમાજ દ્વારા શહેરના ત્રિકોણબાગથી મહાનગરપાલિકા કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી અને માતાની મમતા ગુમાવનાર એક વર્ષના માસુમ બાળકના હસ્તે મનપાના નાયબ કમિશનરને આવેદનપત્ર સુપરત કરાયું હતું.
મૃતક મિતાલીબેન કેસરિયાના માતા અંજનાબેને ચોધાર આંસુએ ન્યાયની માંગ કરતાં જણાવ્યું કે સાતમ-આઠમની રાત્રે બાળક સૂઈ ગયા બાદ દીકરી અને જમાઈ જમવા જતા હતા ત્યારે રસ્તા પર કોઈ બેનર કે ડાયવર્ઝન બોર્ડ વગરની ઊંચી કુંડી સાથે અકસ્માત થયો અને દીકરીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બાળકના પ્રથમ જન્મદિવસ પૂર્વે જ માતાનું નિધન થયું છે. જમાઈ નાના છે ત્યારે પૌત્રના ભવિષ્યની સુરક્ષા અને ન્યાયની માંગ છે. તેમણે આક્ષેપ કર્યો કે મનપા પૂરો ટેક્સ વસૂલે છે છતાં સુવિધા નથી આપતી, તંત્ર નિંભર છે અને અઢી મહિના સુધી દીકરી સિવિલ હોસ્પિટલમાં દાખલ રહી ત્યારે મનપાનો એક પણ અધિકારી ખબર પૂછવા આવ્યો ન હતો. જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.
રઘુવંશી યુવા શકિત સંઘના આગેવાન કે.ડી.રઘુવંશીએ જણાવ્યું કે તા.૬ સપ્ટેમ્બરના રોજ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઘંટેશ્વર પાર્ક પાસે ઊભી કરાયેલી કુંડીમાં અથડાવાથી મિતાલીબેન કેસરિયાનું અઢી માસની સારવાર બાદ મોત થયું છે. આ માટે મનપાની બેદરકારી છે અને આ માટે વોર્ડ નં.૧ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ એજન્સી જવાબદાર છે, પરંતુ તંત્રએ હજુ સુધી જવાબદારોના નામ જાહેર કર્યા નથી. કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
મનપાના નાયબ કમિશનર ચેતન નંદાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે એસઆરપી કેમ્પથી રીંગરોડ-૨ને જોડતા રસ્તા પર બનેલા આ અકસ્માત મામલે કોન્ટ્રાક્ટર, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને સુપરવિઝન કરતા મનપાના સ્ટાફની જવાબદારી અંગે તપાસ થઈ રહી છે. ઢાંકણું ડામરની નીચે હોવા છતાં કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ અપાઈ છે અને કસૂરવાર સામે કાર્યવાહી થશે.
વેસ્ટ ઝોન સિટી ઈજનેર દ્વારા અપાયેલી નોટિસમાં જણાવાયું છે કે મંજૂર થયેલા ડી.પી. રોડના સંપૂર્ણ કેરેજ વેને બદલે ઘટાડેલા કેરેજ વે સાથે રસ્તો બનાવી આશરે ૪ મીટરના હયાત ડામર રોડ સાથે જોડાયો હતો, જ્યાં બાજુમાં ડ્રેનેજ ચેમ્બર આવેલી છે. કરારની જી.સી.-૧ની કલમ ૧.૧૭ (કામના અમલ, પૂર્ણતા અને જાળવણી દરમિયાન અસ્થાયી કામ તથા સાઈટની સલામતીની જવાબદારી) અને જી.સી.-૯૪ (સેફ્ટી કોડ)ની કલમ ૩.૩ (માર્ગને અડીને આવેલા બેરિકેડ અને જોખમી વિસ્તારોને રાત્રે લાલ ફાનસથી ચિહ્નિત કરવાની જવાબદારી) હેઠળ પ્રથમદર્શી રીતે સલામતીની જવાબદારી પૂરતા પ્રમાણમાં નિભાવાઈ ન હોય તેવું જણાયું છે. હાલ પવન કન્સ્ટ્રક્શન અને એસ.આર.ડી. એજન્સીને દસ્તાવેજી પુરાવા સાથે શોકોઝ નોટિસ પાઠવી મુદ્દાવાર લેખિત ખુલાસો રજૂ કરવા તાકીદ કરાઈ છે, જેના આધારે તપાસ બાદ આગળની કડક કાર્યવાહી કરાશે.


