- રઉફના MRI સ્કેનનો રિપોર્ટ સકારાત્મક છે
- ન્યૂઝીલેન્ડ સામે મેચ બાદ પાંસળીમાં દુખાવો થયો હતો
- વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે
પાકિસ્તાનના પેસ બોલર હેરિસ રઉફને ટીમની નેટ્સ દરમિયાન પાંસળીમાં સ્નાયુ ખેંચાઈ જવાની ઈજા થઈ છે પરંતુ તે ફિટ જણાય છે અને વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની અંતિમ ગ્રૂપ મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. પાકિસ્તાનના મીડિયા મેનેજર ઉમર ફારૂકે જણાવ્યું હતું કે હેરિસને પાંસળીના એમઆરઆઈ સ્કેન કરાવવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ ઉત્સાહવર્ધક છે. ન્યૂઝીલેન્ડ સામે બેંગ્લોર ખાતે રમાયેલી છેલ્લી મેચ બાદ તેણે પાંસળીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી જેના કારણે સાવચેતીના પગલાંરૂપે સ્કેન કરાવવામાં આવ્યા છે. પેસ બોલર રઉફે ન્યૂઝીલેન્ડ સામે પાંસળીમાં દુખાવો થતો હોવા છતાં પૂરી 10 ઓવર નાખી હતી જેમાં તેણે 85 રન આપીને એક વિકેટ ખેરવી હતી. પાકિસ્તાને ડકવર્થ લૂઇસ નિયમના આધારે આ મેચ 21 રનથી જીતીને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી હતી. મીડિયા મેનેજરે વધુમાં ઉમેર્યું હતું કે માથામાં ઈજા થવાના કારણે છેલ્લી બે મેચ નહીં રમી શકનાર ઓલરાઉન્ડર શાદાબ ખાનની નેટપ્રેક્ટિસ દરમિયાન ફરીથી સમીક્ષા કરવામાં આવશે અને તેને છેલ્લી મેચમાં રમાડવો કે નહીં તેનો મેનેજમેન્ટ પાછળથી નિર્ણય લેશે.


