- વર્લ્ડકપમાં અત્યાર સુધી ત્રણ ટીમ સેમીફાઇનલમાં પહોંચી
- સેમિફાઇનલમાં બાકીના એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જંગ
- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ રેસમાં
વર્લ્ડકપ 2023નો ઉત્સાહ ચરમસીમાએ છે. ત્રણ ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ત્રણેય ટીમો વચ્ચે ચોથ સ્થાન માટે લડાઈ ચાલુ છે. આ ત્રણમાંથી જે પણ ટીમ કવોલિફાય કરશે તે ટીમ ભારત સામે સેમિફાઇનલમાં ટકરાશે. હાલમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો ચોથા સ્થાન માટે પ્રબળ દાવેદાર જણાય છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પોતાના વિચારો શેર કર્યા છે. તે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમને સેમિફાઇનલમાં ચોથી ટીમ તરીકે જોવા માંગે છે.
એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન ઈરફાન પઠાણે કહ્યું, ‘ન્યૂઝીલેન્ડની જીતવાની શક્યતા 50 ટકાથી વધુ છે. તેમની એકમાત્ર સમસ્યા વરસાદ છે. આ પહેલા પણ ટૂર્નામેન્ટમાં વરસાદે પાકિસ્તાનને મદદ કરી છે. બેંગ્લોરમાં પણ વરસાદ તેમને મદદ કરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
પઠાણે ન્યુઝીલેન્ડને આપ્યા મહત્વના સૂચનો
વર્લ્ડકપ 2023ની 41મી મેચમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો આજે એટલે કે 9 નવેમ્બરે શ્રીલંકન ક્રિકેટ ટીમ સાથે થશે. કિવી ટીમ માટે આ મેચ ઘણી મહત્વની છે. મેચ પહેલા પૂર્વ ભારતીય ઓલરાઉન્ડરે કીવી ટીમને મહત્વના સૂચનો આપ્યા છે. તેનું માનવું છે કે આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કરવું જોઈએ. અહીં લક્ષ્યનો પીછો કરવો સરળ છે.પઠાણે કહ્યું, ‘મારા મતે ન્યૂઝીલેન્ડ માટે ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે આ મેદાનમાં પીછો હંમેશા સારો રહ્યો છે. આ માટે ઘણા પરિબળો છે. આ છતાં, હું ફરીથી કહેવા માંગુ છું કે, તમામ મુશ્કેલીઓ છતાં, ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં ચોથી ટીમ બનશે.
આજની મેચમાં ન્યુઝીલેન્ડનું પ્રદર્શન
શ્રીલંકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. આ બંને વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં સમાચાર લખાય છે ત્યાં સુધી 10 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 10 ઓવર બાદ શ્રીલંકાએ 5 વિકેટના નુકસાને 74 રન બનાવ્યા છે. શ્રીલંકાનો ઓપનર પથુમ નિસાંકા 8 બોલમાં 2, કુસલ પરેરા 28 બોલમાં 51, કુસલ મેન્ડિસ 7 બોલમાં 6, સદિરા સમરવિક્રમા 2 બોલમાં 1 અને ચારિથ અસલંકા 8 બોલમાં 8 રન કરીને આઉટ થયો છે. અત્યારે શ્રીલંકા માટે એન્જેલો મેથ્યૂઝ 4 બોલમાં શૂન્ય અને ધનંજય ડી સિલ્વા 3 બોલમાં 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 5 ઓવરમાં 26 રન આપીને 3, ટીમ સાઉથીએ 2 ઓવરમાં 35 રન આપીને 1 અને લોકી ફર્ગ્યૂશને 2 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી છે.


