- ગયા વર્ષે ડિસેમ્બરમાં ઋષભ પંત કાર દુર્ઘટનાનો શિકાર બન્યા હતા
- પંત કોલકાતા ખાતે દિલ્હી કેપિટલ્સના ટ્રેનિંગ સેશનમાં સામેલ થયા
- દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ જાણકારી આપી
ભારતીય ટીમના વિકેટકિપર અને બેટ્સમેન ઋષભ પંત આઇપીએલની આગામી સિઝનથી ટુર્નામેન્ટમાં પાછા ફરશે. દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ આ જાણકારી આપી હતી. દિલ્હી કેપિટલના વિકોટકીપર ઋષભ પંતને ગયા વર્ષે ડિસેમ્બરમાં અકસ્માત નડયો હતો. તેમની કાર ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ હતી અને કારે આગ પકડી લીધી હતી. દુર્ઘટનામાં તેમને ભારે ઇજા પહોંચી હતી. સારવારના 40 દિવસને અંતે તેઓ બેઠા થયા હતા. ગુરુવારે તેઓ જાદવપુર યુનિવર્સિટી સોલ્ટ લેક કેમ્પસ ખાતે દિલ્હી કેપિટલ્સના ટ્રેનિંગ સેશનમાં જોડાયા હતા. પંત વિષે જાણકારી આપતાં ગાંગુલીએ કહ્યું હતું કે પંતની તબિયત હવે સારી છે અને આગામી આઇપીએલ સિઝનથી રમતમાં પાછા ફરશે.
ભારતના પુર્વ કપ્તાન ગાંગુલીએ જણાવ્યું હતું કે 19 ડિસેમ્બરે દુબઇ ખાતે આઇપીએલ ઓક્શન યોજાય તે પહેલાં પંત ત્રણ દિવસના ટ્રેનિંગ સેશન માટે કોલકાતા આવેલા છે. પંતની ગેરહાજરમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ સંભાળ્યું હતું.
ગાંગુલીએ કહ્યું હતું કે પંત ગંભીર પ્રેક્ટિસ નહીં કરે. હજી તેને સમય લાગશે. જાન્યુઆરી 2024 સુધીમાં તે બહેતર થ ઇ જશે. અમે ટીમ વિષે ચર્ચા કરી રહ્યા છીએ. પંત ટીમના કપ્તાન છે તેથી આગામી ઓક્શન વિષે પોતાના મંતવ્યો પણ આપે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પંતે છેલ્લે મીરપુર ખાતે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો.


