આકૃતિ ગ્રુપ દ્વારા તા.૧૪ થી ૧૬ યોજાશે આર્ટ પ્રદર્શન
મનમોહના થીમ પર ૧૮૦ કલાકારોએ ભગવાન કૃષ્ણ પર તૈયાર કરેલી કલાકૃત્તિઓ પ્રદર્શિત કરાશે : જન્માષ્ટમી ઉજવણી અને રોપા વિતરણનું આયોજન : ગ્રુપના સભ્યો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જાણીતા ‘આકૃતિ આર્ટ ગ્રુપ’ દ્વારા તેના 19મા ભવ્ય વાર્ષિક કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનું કલા પ્રદર્શન ‘મનમોહના’ થીમ પર આધારિત છે, જેમાં શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપો, લીલાઓ, જીવનદર્શન અને આધ્યાત્મિકતાને કલાકારો પોતાની આગવી કલાદ્રષ્ટિથી રજૂ કરશે.
આ પ્રદર્શનમાં ગુજરાતભરના સ્થાપિત તેમજ ઉભરતા કલાકારોની અદભૂત કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે. વિવિધ કલાકારોએ શ્રીકૃષ્ણને પોતાની આગવી કલ્પના અને દૃષ્ટિકોણથી રજૂ કર્યા છે, જેના પરિણામે એક જ વિષયમાં કલાની વિવિધતા, સર્જનાત્મકતા અને ભાવનાનો સુંદર સંગમ જોવા મળશે.
આ ભવ્ય પ્રદર્શનમાં 180થી વધુ કલાકારોએ ભાગ લીધો છે. કલાકારોએ શ્રીકૃષ્ણને પેન્સિલ સ્કેચ, રિયલિસ્ટિક આર્ટ, ચારકોલ સ્કેચ, વોટરકલર, એક્રેલિક પેઇન્ટિંગ, મિનિએચર પેઇન્ટિંગ, પરંપરાગત કલા તેમજ આધુનિક કલા સહિત વિવિધ માધ્યમો અને કલાશૈલીઓમાં રજૂ કર્યા છે.
કલાકૃતિઓમાં ક્યાંક બાળ ગોપાલ, ક્યાંક મુરલીધર, ક્યાંક રાધા-કૃષ્ણના પ્રેમ અને ભક્તિભાવ, તો ક્યાંક ભગવદ્ ગીતા તથા શ્રીકૃષ્ણના જીવનદર્શનની અનુભૂતિ જોવા મળશે. દરેક કલાકારની પોતાની કલ્પના, ભાવના અને આગવી શૈલી દ્વારા શ્રીકૃષ્ણનું એક નવું અને અનોખું સ્વરૂપ પ્રેક્ષકો સમક્ષ રજૂ થશે.
‘મનમોહના’ પ્રદર્શનને વધુ રસપ્રદ અને યાદગાર બનાવવા માટે બાળકો માટે ખાસ ‘કૃષ્ણ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 14 વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે મો.નં.૯૬૬૨3 ૭૭૦3૦ પર રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે. સ્પર્ધામાંથી એક વિજેતાની પસંદગી કરવામાં આવશે, જેને વિશેષ પુરસ્કાર તથા ભેટ આપવામાં આવશે.
સ્વાતંત્ર્ય પર્વ નિમિતે આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી ત્રણ દિવસ નિ:શુલ્ક છોડ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શ તા.૧૪,૧૫ અને ૧૬ ઓગષ્ટ સુધી સવારે ૧૧ વાગ્યાથી ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે યોજાશે. આ પહેલનો હેતુ લોકોમાં પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ રાજકોટ શહેરને વધુ હરિયાળું બનાવવાનો છે. નિઃશુલ્ક છોડ વિતરણમાં સેતુર, જામ્બુ, કડવો લીંબડો, કરંજ, સીતાફળ, કરેણ, પેલ્ટોફોરમ સહિતના છોડ ઉપલબ્ધ રહેશે. ‘મનમોહના’ જયાં દરેક કલામાં કૃષ્ણનો એક નવો રંગ, એક નવી લાગણી અને એક નવી વાર્તા જોવા મળશે. આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા સૌ કલા રસીકો, શહેરીજનો અને પરિવારોને આ ભવ્ય કલા મહોત્સવની મુલાકાત લેવા ‘અગ્ર ગુજરાત’ની કાર્યાલયની મુલાકાતે આવેલા આકાશ ગુજરાતી, અંજલી કાલરીયા, કૃપાલી જેઠવા અને આરતી બાવીસીએ જણાવ્યું છે.


