વોટ 14માં બાંધકામ અને ગાર્ડનના અધિકારીઓ સામે થાળી વગાડી મહિલાઓનો વિરોધ
કોઠારીયા કોલોની વાણીયાવાડી વચ્ચેના વોકળા પર બાંધકામ અને વૃક્ષ છેદનની પ્રવૃત્તિ સામે આંદોલન ઉગ્ર બન્યું: વોકળામાં બોક્સ કલવર્ટ કોઈ વૃક્ષ કપાશે નહીં, સીટી ઇજનેરની યાદી પોકળ હોવાનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા ની યાદી મુજબ વોર્ડ નંબર 14માં ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલના પ્રોજેક્ટ અંગે લત્તાવાસીઓમાંથી વિરોધની આંધી ફૂકાય છે. કારણકે આ વોકળા ઉપર 75 વૃક્ષ છે જે દરેક વૃક્ષોને નંબર આપેલા છે. તદુપરાંત વોકળા ઉપર બે માળનું બાંધકામ ખળકાશે તો રહેવાસી ના ઘરમાં ગોઠણભેર વરસાદી પાણી ભરાવાની દહેશત છે. જે પગલે વિસ્તારના મહિલાઓમાં પણ વિરોધ ની આંધી ફૂકાય છે.
આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ અને ગાર્ડન વિભાગના અધિકારીઓ જેમાં પી. બાવડેચા, કે. આઈ. ગોહિલ, બી.આર. મોરી, વાય. ટી. પટેલ વોર્ડ નંબર 14માં જે સ્થળે પ્રોજેક્ટ હાથ ધરવાનો છે તે સ્થળે સર્વે માટે જતા કોઠારીયા કોલોનીના મહિલા મંડળ દ્વારા થાળી વગાડી વિરોધ વ્યક્ત કરેલ હતો. મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે હવે જે કોઈ અધિકારીઓ આવશે તેઓની સામે ગાંધીગીરી કરી ગુલાબો આપી થાળી વગાડવામાં આવશે. અને વૃક્ષ છેદન અને વોકળા પરના બાંધકામનો વિરોધ કરાશે વોર્ડ નંબર 14 ના કોર્પોરેટરો પણ જાહેર કરે કે તેઓ જેમના મતોથી ચૂંટાઈ આવ્યા છે તે વોર્ડના લતાવાસીઓ સાથે છે કે રાજકોટ મહાનગરપાલિકા સાથે તેની સ્પષ્ટતા કરે.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને ઇન્વર્ડ નંબર 1917, સીટી ઇજનેર અતુલ રાવલ ને ઇન્વર્ડ નંબર 1152 થી તારીખ 07/08/2026 થી લેખિત રજૂઆત કરવામાં આવી છે. જે સંદર્ભે સીટી ઇજનેર દ્વારા રાજકોટના સવારના દૈનિક વર્તમાન પત્રોમાં નિવેદન કરાયું છે કે વોકળામાં બોક્સ કલવર્ટ બનાવવામાં આવશે એના ઉપર કોઈ બાંધકામ નહીં થાય અને પ્રોજેક્ટના કામ દરમિયાન કોઈ વૃક્ષો કાપવામાં નહીં આવે કારણ કે વૃક્ષો પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં આવેલા છે. ઇજનેર ની વાત પાયાવિહોણી, હંબગ અને હાસ્યસ્પદ છે. કારણ કે કેટલા વૃક્ષો કપાશે તેની ગણતરી માટે ગાર્ડન વિભાગના અધિકારીઓ સર્વે કરે છે. સીટી ઇજનેર પાસે ગાર્ડનનો હવાલો નથી તો પછી એને ખબર કઈ રીતના પડી કે એક પણ વૃક્ષ નહીં કપાય ? હવામાં બે માળ કરવાના છો ? સીટી ઇજનેરને આ પ્રકારનું નિવેદન કરવા કોણે દબાણ કર્યું ? બોક્સ કલવર્ટ રૂપકડું નામ આપનાર સીટી ઇજનેર ને જણાવવાનું કે રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના ન હતી તે સમયથી અહીંયા રહીએ છીએ અને વરસાદી પાણી કેટલું આવે છે તે આપને એસી ઓફિસમાં બેસીને ખબર ન પડે આ વોકળા ઉપરના ધસમસતા પાણીના પ્રવાહ અમે જોયા છે. કોઈપણ કલવર્ટ કરવામાં આવે તો પણ વરસાદી પાણી અવરોધાશે. સીટી ઇજનેર દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેની કોઠારીયા કોલોની યુવા ગ્રુપને લેખિતમાં સ્પષ્ટતા કરે અન્યથા આંદોલન ચાલુ રાખવામાં આવશે.
થાળી વગાડવાના કાર્યક્રમમાં મહિલા મંડળના મીનાબા ઝાલા, પ્રફુલાબા જાડેજા, જ્યોતિબેન કથરેચા, પારુલબેન ગોહેલ, રસમિતાબેન મહેતા, ભાવનાબેન ચોટલીયા, નીતાબેન ચોટલીયા, દીસાબેન મહેતા, રસમિતાબેન મહેતા, સોનલબેન વાઘેલા, સોનલબેન મોરી, નયનાબેન પરમાર, જયશ્રીબેન વસાણી, ધારાબેન પરમાર સહિતના બહેનો જોડાયા હતા તેમની સાથે નાના બાળકો પણ થાળી વગાડી હતી.


