- સીરિયામાં અમેરિકા લડી લેવાના મૂડમાં
- અમેરિકી જવાનોને માર્યા એનો જવાબ
- હજું પણ સૈન્ય જવાબ દેવાની તૈયારીઓમાં
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. ઈઝરાયેલ હમાસના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાએ સીરિયામાં ઈરાન સાથે જોડાયેલા ટાર્ગેટને નિશાન બનાવ્યા છે. આ બેઝ પર અમેરિકાની આ ત્રીજી કાર્યવાહી છે. આ માહિતી આપતાં રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું કે, અમેરિકન જવાનો પર હુમલાના જવાબમાં રવિવારે સીરિયામાં ઈરાન સાથે જોડાયેલા બે ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો હતો.
તાલિમ કેન્દ્ર સામે એક્શન લેવાયા
“ઈરાક અને સીરિયામાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે ચાલી રહેલા હુમલાઓના જવાબમાં, અમારા સૈનિકોએ પૂર્વી સીરિયામાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ઈન્સ્ટ્રમેન્ટ પર ચોક્કસ હુમલા કર્યા છે.” ઓસ્ટીને એક નિવેદનમાં જણાવ્યું હતું. આલ્બુ કમાલ અને માયાદીન શહેરોમાં સ્થિત તાલીમ કેન્દ્રો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પહેલા તારીખ 26 ઓક્ટોબરે પણ અમેરિકા દ્વારા સીરિયામાં આવી કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકાના મતે ઈરાક અને સીરિયામાં અમેરિકન દળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 17 ઓક્ટોબરે 45થી વધુ અમેરિકન જવાનો ઘાયલ થયા હતા.
અમેરિકા લડી લેવાના મૂડમાં
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદથી અમેરિકી જવાનો પર હુમલાની સંખ્યામાં વધારો થયો છે. જે બાદ અમેરિકન સેનાએ જવાબી કાર્યવાહી કરી અને સીરિયામાં નિશાનો પર હુમલો કર્યો. સીરિયા પ્રાંતમાં અમેરિકા હવે લડી લેવાના મૂડમાં હોય એવું આ હુમલા પરથી કહી શકાય છે. જોકે, આ અંગે ખાસ કોઈ રાજકીય પડઘા પડ્યા નથી. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 1000થી વધારે લોકોનાં મોત નીપજ્યા છે.


