- પાકિસ્તાન-ચીનનું સમુદ્રી પ્રદર્શન યોજાયું
- ભારત માટે પડકાર વધવાના મોટા એંધાણ
- નિષ્ણાંતોનો સુરક્ષા મુદ્દે મત જાણવા મળ્યો
પાકિસ્તાન અને ચીનની સેનાઓ વચ્ચે શનિવારથી અરબી સમુદ્રમાં સૌથી મોટી નૌકા કવાયત શરૂ થઈ ગઈ છે. ચીનના મતે, આ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોની સંયુક્ત સુરક્ષા તેમજ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા વધારવા માટેની કવાયત છે. પરંતુ નિષ્ણાંતોના મતે આ નૌસેના કવાયતથી ભારતની સુરક્ષા પડકારોમાં વધારો થવા જઈ રહ્યો છે. આ કવાયત મુંબઈની નજીક આવેલા કરાચીમાં થઈ રહી છે. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (સીસીટીવી) અનુસાર, આ કવાયતને સી ગાર્ડિયન-3 સંયુક્ત દરિયાઇ કવાયત નામ આપવામાં આવ્યું છે. તેની શરૂઆત શનિવારે સવારે કરાચી નેવલ ડોકયાર્ડ ખાતે ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી.
સ્ટ્રેટજીક પાર્ટનરશીપ વધારવા
ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) નેવીના સહભાગી દળોમાં ટાઈપ 052D ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર ઝિબો, ટાઈપ 054A ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર જિંગઝુ અને લિનીનો સમાવેશ થાય છે. જ્યારે પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાન નેવી તરફથી ટ્રેડિશનલ અટેક સબમરીન અને સબમરીન સપોર્ટ શિપ સાથે PLA નેવીની મરીન કોર્પ્સ ટુકડી સામેલ છે. ચીની નૌકાદળના કમાન્ડર રીઅર એડમિરલ લિયાંગ યાંગે જણાવ્યું હતું કે, “આ કવાયત તમામ સીઝનની સ્ટ્રેટજીક પાર્ટનરશીપ વધારવા, સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા અને વ્યાવસાયિક સહકારને વધુ ગાઢ બનાવવા માટે સમર્પિત છે.” લિયાંગના જણાવ્યા અનુસાર, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને નૌકાદળ દરિયાઈ સુરક્ષાના જોખમોનો સામનો કરવા અને દરિયાઈ શાંતિની સુરક્ષા માટે તેમની સંયુક્ત ઓપરેશન ક્ષમતાઓને વધુ વધારી શકે છે.
આવી પ્રવૃતિઓને કારણે જોખમ
પાકિસ્તાની નિષ્ણાતોના મતે, સી ગાર્ડિયન કવાયત પરંપરાગત અને પ્રતિસ્પર્ધીઓ સાથે વ્યવહાર કરવામાં પરસ્પર સહકારને પ્રોત્સાહિત કરવા તેમજ વ્યાવસાયિક અનુભવોની વહેંચણીનો હેતુ પૂરો પાડે છે. ચીનના સૈન્ય નિષ્ણાત વેઈ ડોંગક્સુના જણાવ્યા અનુસાર, હિંદ મહાસાગર જેવા વિસ્તારોમાં વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોની સંયુક્ત સુરક્ષામાં ચીન અને પાકિસ્તાનના સમાન હિત છે. તેમણે કહ્યું કે આ એ વિસ્તાર છે જ્યાં ચાંચિયાગીરી, આતંકવાદ અને અન્ય ખતરનાક પ્રવૃત્તિઓનો ખતરો છે.


