- લાહોરમાં રોંગ સાઈડ પર આવતી બસે કારને મારી ટક્કર
- મહિલાઓ અને બાળકો સહિત 12 લોકો મોતને ભેટ્યા
- પોલીસે સગીર ડ્રાઈવરની કરી ધરપકડ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં કુલ 12 લોકોના મોત નિપજ્યા છે. પોલીસે જણાવ્યું કે, મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. પોલીસે કહ્યું કે, પ્રથમ ઘટનામાં લાહોરના પોશ વિસ્તારમાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં બે કારો વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં એક પરિવારના 6 લોકોના મોત નિપજ્યા છે.
સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં થયેલા અકસ્માત દરમિયાન એક કિશોર વાહન ચલાવી રહ્યો હતો અને તેને સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. એફઆઈઆરમાં કિશોર ડ્રાઈવરનું નામ પણ સામેલ છે. પોલીસે જણાવ્યું કે છોકરો અન્ય કાર સાથે રેસ કરી રહ્યો હતો અને ઝિગ ઝેગ કરતી વખતે તેણે પાછળથી એક વાહનને ટક્કર મારી.
સગીર ડ્રાઈવરે કારને પાછળથી મારી ટક્કર
એફઆઈઆર અનુસાર, રૂખસાના બીબી, તેનો પુત્ર, પુત્રવધૂ, તેના બે બાળકો અને જમાઈ ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં તેમના સંબંધીના સ્થાનેથી કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી બેદરકારીપૂર્વક ચાલતી કારે તેને ટક્કર મારી હતી. અથડામણ પછી, કાર ઘણી વખત પલટી ગઈ અને તેમાં સવાર ઘણા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અન્ય લોકોનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.
બસ અને કાર વચ્ચે અથડામણમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત
જ્યારે બીજી ઘટના સોમવારે લાહોરથી દૂર શેખુપુરામાં બની હતી. અહીં કાર અને બસ વચ્ચેની ભયાનક અથડામણમાં છ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે મૃતકોમાં એક જ પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. બચાવ ટીમે જણાવ્યું કે પીડિત પરિવાર એક લગ્ન સમારોહમાં હાજરી આપવા કાર દ્વારા લાહોર જઈ રહ્યો હતો. દરમિયાન સામેથી આવતી એક બસે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બસ ચાલકનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં બસના સાત મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


